સત્ય. સાહસ. સંકલ્પ.

BCCI સરકારી ગ્રાન્ટ લેતું નથી, દર વર્ષે ₹3,000 કરોડ આવકવેરો ચૂકવે છે: સુપ્રીમ કોર્ટમાં ખુલાસો

BCCI સરકારી ગ્રાન્ટ લેતું નથી, દર વર્ષે ₹3,000 કરોડ આવકવેરો ચૂકવે છે: સુપ્રીમ કોર્ટમાં ખુલાસો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સ્પષ્ટતા કરી છે કે તે કોઈ પણ સરકારી ગ્રાન્ટ કે સહાય પર નિર્ભર નથી. ઊલટાનું, બોર્ડ દર વર્ષે સરેરાશ ₹3,000 કરોડનો આવકવેરો ચૂકવીને સરકારી તિજોરીમાં મોટું યોગદાન આપે છે. આ માહિતી મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સંકુલમાં યોજાયેલી BCCIની 95મી વાર્ષિક સામાન્ય સભા (AGM) બાદ બોર્ડ સેક્રેટરી દેવજીત સૈકિયાએ આપી હતી.

આ સભામાં આ આંકડા રજૂ થતાં તમામ સભ્યોએ તેને તાળીઓથી વધાવી લીધા હતા. બોર્ડનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટે BCCI અને રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને વર્ષ 2025માં પસાર થયેલા નવા 'નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ'ના દાયરામાં લાવવા અંગે સવાલ ઉઠાવ્યા હતા.

9 સપ્ટેમ્બરે સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે પૂછ્યું હતું કે ક્રિકેટ સંસ્થાઓને નવા કાયદા હેઠળ કેમ ન લાવવી જોઈએ? કોર્ટે એ પ્રશ્ન પણ કર્યો હતો કે ક્રિકેટ સંસ્થાઓના હોદ્દેદારોની સેવાની શરતો અને કાર્યકાળ નવા કાયદા હેઠળ કેમ શામેલ ન હોવા જોઈએ?

આ મામલે બોર્ડનું વલણ સ્પષ્ટ કરતાં દેવજીત સૈકિયાએ કહ્યું કે BCCI કાયદા કે નિયમોથી બચવાનો કોઈ પ્રયાસ કરી રહ્યું નથી, પરંતુ યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું પાલન થવું જરૂરી છે. તેમણે ઉમેર્યું કે નવા સ્પોર્ટ્સ એક્ટ હેઠળ ક્રિકેટને હજુ સુધી સરકાર દ્વારા 'ડેઝિગ્નેટેડ સ્પોર્ટ' તરીકે સૂચિત કરવામાં આવ્યું નથી. સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવાની જવાબદારી સંબંધિત ઓથોરિટીની છે, અને સરકાર જેવું નોટિફિકેશન જારી કરશે કે તરત જ બોર્ડ તે નિયમો મુજબ તમામ યોગ્ય પગલાં ભરશે.

બોર્ડ સેક્રેટરીએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ સમગ્ર મુદ્દે BCCI પોતાનું વિગતવાર સ્પષ્ટીકરણ આગામી 27 ઓક્ટોબરે રજૂ કરશે, જ્યારે આ મામલાની આગામી સુનાવણી અદાલતમાં લિસ્ટ થશે. હાલ પૂરતો સમગ્ર મામલો નવા સ્પોર્ટ્સ એક્ટના સીધા અમલ કરતાં વધારે સરકારી નોટિફિકેશન અને નિયત પ્રક્રિયા પર ટકેલો છે.