શ્રીલંકાની ક્રિકેટ ટીમ ડિસેમ્બરમાં ભારતના પ્રવાસે આવીને ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. આ શ્રેણીની એક મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 13 ડિસેમ્બરે રમાવાની છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી એવા અહેવાલો ફેલાઈ રહ્યા હતા કે આ મેચ દિલ્હીથી અમદાવાદ ખસેડવામાં આવી છે.
આ અહેવાલોને BCCIએ ખોટા ગણાવ્યા છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટતા કરી હતી કે, “ભારત-શ્રીલંકા વનડે મેચને દિલ્હીથી અમદાવાદ ખસેડવાના અહેવાલો સાચા નથી. BCCIએ આવો કોઈ નિર્ણય લીધો નથી. અમે મીડિયાને વિનંતી કરીએ છીએ કે તેઓ શેડ્યૂલ પર અપડેટ્સ માટે BCCIની સત્તાવાર પ્રેસ રિલીઝનો સંદર્ભ લે. દ્વિપક્ષીય શ્રેણીની મેચો નીતિ અનુસાર શહેરોમાં ફાળવવામાં આવે છે.”
આ અગાઉ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હીની મેચ અમદાવાદ ખસેડાઈ છે. જોકે, BCCIના સત્તાવાર નિવેદન બાદ આ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે. ક્રિકેટ ચાહકોને વિનંતી છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને ફક્ત BCCIની સત્તાવાર જાહેરાતો પર જ ભરોસો રાખે.