સત્ય. સાહસ. સંકલ્પ.

IPL 2026 પછી 32 ભારતીય ક્રિકેટરો રિહેબમાં, BCCIનો ખુલાસો

IPL 2026 પછી 32 ભારતીય ક્રિકેટરો રિહેબમાં, BCCIનો ખુલાસો

ભારતીય ક્રિકેટમાં ખેલાડીઓની ઈજા હવે ગંભીર ચિંતાનો વિષય બની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)ના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયું છે કે એપ્રિલ 2025થી માર્ચ 2026 વચ્ચે 32 ભારતીય પુરુષ ક્રિકેટરોને ઈજામાંથી ઉભા થવા માટે રિહેબિલિટેશનમાંથી પસાર થવું પડ્યું હતું. આ યાદીમાં 20 સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા અને 12 ઈન્ડિયા-A કે ટાર્ગેટેડ કેટેગરીના ખેલાડીઓ સામેલ છે.

રિપોર્ટ પ્રમાણે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 પછી પણ ઈજાઓ ચાલુ રહી અને લગભગ દરેક સિરીઝમાં ઓછામાં ઓછા બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીરે પણ છેલ્લા એક વર્ષમાં ખેલાડીઓની ફિટનેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. હવે પ્રશ્ન એ છે કે ખેલાડીઓને ઈજાથી બચાવવા અને તેમની રિકવરી સુધારવા માટે વર્તમાન વ્યવસ્થામાં શું ફેરફાર કરવા જોઈએ.

ઈજાઓ વધતાં BCCIએ CoE માટે ખર્ચ વધાર્યો છે. નાણાકીય વર્ષ 2026-27 માટે CoEનું અંદાજિત બજેટ 127 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે, જ્યારે ગયા નાણાકીય વર્ષમાં વાસ્તવિક ખર્ચ લગભગ 92 કરોડ રૂપિયા હતો. એટલે કે બજેટમાં લગભગ 35 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ ખર્ચમાં વહીવટી ખર્ચ, તાલીમ કાર્યક્રમો અને મેચ સંબંધિત ખર્ચ સામેલ છે. જોકે, વધેલા બજેટની અસર ખેલાડીઓની ફિટનેસ પર કેટલી પડશે તે આવનારા સમયમાં જાણવા મળશે.

રિપોર્ટ મુજબ, એપ્રિલ 2025થી માર્ચ 2026 વચ્ચે કુલ 68 ક્રિકેટરોની ઈજાઓની સારવાર અને મેનેજમેન્ટ BCCI-CoEની સ્પોર્ટ્સ સાયન્સ મેડિસિન (SSM) ટીમે કરી, જેમાં મહિલા ક્રિકેટરો પણ સામેલ છે. આ કેસોમાં સૌથી વધુ સોફ્ટ ટિશ્યૂ ઈન્જરી જોવા મળી. આ પ્રકારની ઈજામાં સ્નાયુઓ અને તેની સાથે જોડાયેલી પેશીઓને નુકસાન થાય છે, જેનાથી ખેલાડીની દોડવાની, બોલિંગ કરવાની અને મેદાન પર ઝડપી ચાલવાની ક્ષમતા પર અસર પડે છે.

રિપોર્ટમાં ઈમ્પેક્ટ ઈન્જરીના ઉદાહરણ તરીકે રિષભ પંતનો ઉલ્લેખ છે. જુલાઈ 2025માં માન્ચેસ્ટર ટેસ્ટ દરમિયાન પગમાં ફ્રેક્ચર થયા બાદ તેમને સારવારની જરૂર પડી હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે રોહિત શર્માએ પણ આ સમયગાળા દરમિયાન CoEમાં રિહેબિલિટેશન કરાવ્યું હતું. BCCIએ તે સમયે તેમની સારવાર અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નહોતું. રિપોર્ટ પ્રમાણે રોહિતે IPL 2026 પછી હેમસ્ટ્રિંગની ઈજાના કારણે CoEમાં રિપોર્ટ કર્યો હતો.

ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, હાર્દિક પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા નામ સામેલ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે હર્ષિત રાણા, હાર્દિક પંડ્યા અને નીતિશ કુમાર રેડ્ડીએ છેલ્લા 18 મહિનામાં ઓછામાં ઓછા ચાર-ચાર મહિના CoEમાં વિતાવ્યા છે. આ ઉપરાંત 30 સપ્ટેમ્બર 2026 સુધીની યાદીમાં વિરાટ કોહલી, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ અને હર્ષ દુબે સહિત અન્ય ઘણા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા.

ખેલાડીઓની ગેરહાજરીની સીધી અસર ટીમ સિલેક્શન અને કોમ્બિનેશન પર પડે છે. ખાસ કરીને ફાસ્ટ બોલરો માટે આ સમસ્યા વધુ ગંભીર છે. CoEમાં SSM પ્રમુખનું પદ હાલ ખાલી છે, જેનાથી વ્યવસ્થાપન પર પણ અસર પડી શકે છે.