ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ચીફ સિલેક્ટર અજીત અગરકરનો કાર્યકાળ આ મહિને પૂરો થઈ રહ્યો છે. તેમને વધુ એક કાર્યકાળ માટે વિસ્તાર મળવાની શક્યતા ઓછી હોવાનું મનાય છે. તેમની જગ્યાએ પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલ અને પ્રજ્ઞાન ઓઝાના નામ ચીફ સિલેક્ટર પદ માટે ચર્ચામાં છે.
BCCI ની વાર્ષિક સામાન્ય સભા (AGM) આવતીકાલે યોજાનાર છે. અગરકરે બુધવારે યોજાયેલી પસંદગી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. શક્યતા છે કે આ તેમની ચીફ સિલેક્ટર તરીકેની છેલ્લી બેઠક હોઈ શકે છે.
અગરકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ વેસ્ટ ઈન્ડિઝ સામેની વ્હાઈટ-બોલ સિરીઝ અને ઈરાની ટ્રોફી માટે ભારતીય ટીમોની જાહેરાત કરી હતી. ઉપરાંત, રેસ્ટ ઓફ ઈન્ડિયા (ROI) ટીમની પસંદગીમાં પણ અગરકરની ભૂમિકા રહી હતી.
જુલાઈ 2023 માં અગરકરને ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ભારતે 2024 નો T-20 વર્લ્ડ કપ અને ગયા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ ઉપરાંત, ટીમ ઈન્ડિયા 2023 ના વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં પણ પહોંચી હતી, જ્યાં તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે ટીમે T-20 વર્લ્ડ કપનો ખિતાબ પણ જાળવી રાખ્યો હતો.
મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ અને પૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા, અજીત અગરકરની જગ્યાએ BCCI ના ચીફ સિલેક્ટર બનવાની રેસમાં સૌથી આગળ છે. બંને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો IPL માં ત્રણ-ત્રણ વાર ચેમ્પિયન ટીમનો ભાગ રહી ચૂક્યા છે.
પાર્થિવ પટેલે ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 T-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. તેમણે ટેસ્ટમાં 934, વનડેમાં 736 અને T-20 માં 36 રન બનાવ્યા છે. વિકેટકીપર તરીકે તેમણે 103 કેચ અને 19 સ્ટમ્પિંગ કર્યા છે.
પ્રજ્ઞાન ઓઝાએ 24 ટેસ્ટ, 18 વનડે અને 6 T-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. ડાબા હાથના સ્પિનર ઓઝાએ ટેસ્ટમાં 113, વનડેમાં 21 અને T-20 માં 10 વિકેટ લીધી છે. ટેસ્ટમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 6/47 રહ્યું છે.