સત્ય. સાહસ. સંકલ્પ.

અગરકરનો કાર્યકાળ વધારવા અંગે BCCIનો નિર્ણય મુલતવી, ઓક્ટોબરમાં કાર્યકાળ પૂરો

અગરકરનો કાર્યકાળ વધારવા અંગે BCCIનો નિર્ણય મુલતવી, ઓક્ટોબરમાં કાર્યકાળ પૂરો

BCCIની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં અજિત અગરકરના કાર્યકાળને લંબાવવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. શુક્રવારે યોજાયેલી આ બેઠકમાં બોર્ડના અધિકારીઓને સિનિયર પુરુષ પસંદગી સમિતિ અંગે નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

અગરકરે BCCIને પોતાનો કરાર 2027ના વનડે વર્લ્ડ કપ સુધી લંબાવવાની માંગ કરી હતી. તેમનો હાલનો કરાર ઓક્ટોબર 2026 સુધીનો છે. ગયા વર્ષે તેમના કાર્યકાળમાં વધારો કરવામાં આવ્યો હતો.

48 વર્ષીય અગરકર જુલાઈ 2023માં પસંદગી સમિતિના અધ્યક્ષ બન્યા હતા. તેઓ ભારતના યુકે પ્રવાસના પ્રદર્શનની સમીક્ષા બેઠકમાં પણ સામેલ થયા નહોતા.

લોર્ડ્સ વનડે પહેલાં રોહિત શર્મા પ્રકરણ બાદ અગરકરના પદ પર સવાલો ઊભા થયા છે. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે એક સિલેક્ટરે રોહિત શર્માને જણાવ્યું હતું કે તેઓ ટીમની યોજનાઓમાં નથી. રોહિતે સદી ફટકારીને પોતાને સાબિત કર્યા. તેઓ લોર્ડ્સમાં વનડે સદી ફટકારનાર પ્રથમ ભારતીય પણ બન્યા હતા. ત્યાર બાદ BCCIને આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

જો અગરકરનો કાર્યકાળ પૂર્ણ થાય છે, તો BCCI તરત જ નવા મુખ્ય સિલેક્ટરની નિમણૂક કરી શકશે નહીં. બોર્ડે પહેલાં આ પદ માટે જાહેરાત બહાર પાડવી પડશે. ત્યાર બાદ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા થશે. આ પ્રક્રિયાને કારણે નવા અધ્યક્ષની નિમણૂકમાં સમય લાગી શકે છે. અગરકરની જગ્યાએ પૂર્વ ભારતીય વિકેટકીપર-બેટર પાર્થિવ પટેલ સંભવિત ઉમેદવાર હોઈ શકે છે.

નવી જુનિયર પસંદગી સમિતની રચનાની પ્રક્રિયા પણ હજુ પૂર્ણ થઈ નથી. BCCIએ 24 ઑગસ્ટે પાંચ પદો માટે જાહેરાત બહાર પાડી હતી. આ પદો માટે હજુ ઇન્ટરવ્યૂ થયા નથી. આશા હતી કે AGM પછી નવી સમિતિની જાહેરાત કરવામાં આવશે. તાજી માહિતી મુજબ, આ પ્રક્રિયા મહિનાના અંત સુધી ચાલુ રહી શકે છે.

ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના સચિવ સૌરભ તિવારીએ આવતા વર્ષની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાંથી રાંચીને હટાવવાના અહેવાલોને ફગાવી દીધા છે. 5 ટેસ્ટની આ સિરીઝ 21 જાન્યુઆરીએ નાગપુરમાં શરૂ થશે. ત્યારબાદ ચેન્નાઈ, ગુવાહાટી, રાંચી અને અમદાવાદમાં બાકીની ચાર ટેસ્ટ રમાશે. તિવારીએ મીડિયાને કહ્યું, “વેન્યુમાં કોઈ ફેરફાર થયો નથી. જો કોઈને BCCIને આ અંગે લખવું હોય, તો તેણે મને લખવું જોઈએ. મેં આવો કોઈ પત્ર લખ્યો નથી.”