સત્ય. સાહસ. સંકલ્પ.

બુમરાહની કેપ્ટનશીપને લઈને BCCI અને અગરકર વચ્ચે મતભેદ, ગાયકવાડ પર પણ ચર્ચા

બુમરાહની કેપ્ટનશીપને લઈને BCCI અને અગરકર વચ્ચે મતભેદ, ગાયકવાડ પર પણ ચર્ચા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ચીફ સિલેક્ટર અજીત અગરકર વચ્ચે મતભેદોના નવા ખુલાસા સામે આવી રહ્યા છે. અગરકરે ચીફ સિલેક્ટર પદ પરથી એક્સ્ટેન્શન ન લેવાનું જણાવ્યું છે, પરંતુ આ વિવાદનું અસલી કારણ જસપ્રીત બુમરાહને લઈને ઉભું થયું હોવાનું મનાય છે.

અગરકર 2023માં ચીફ સિલેક્ટર બન્યા ત્યારથી જ તેમના BCCIના ટોચના અધિકારીઓ સાથેના સંબંધોમાં તણાવ વર્તાવા લાગ્યો હતો. બોર્ડના અધિકારીઓ અને વીવીએસ લક્ષ્મણ સાથે રોહિત શર્માને લઈને મતભેદોને પણ અગરકરના પદ છોડવાનું એક કારણ ગણવામાં આવે છે.

ઓગસ્ટ 2023માં ભારતીય ટીમ આયર્લેન્ડના પ્રવાસે જવાની હતી અને તેના પછીના મહિને એશિયા કપ યોજાવાનો હતો. તે સમયે અગરકર ઈચ્છતા હતા કે ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવવામાં આવે. પરંતુ BCCI આ નિર્ણય સાથે સહમત નહોતું. બોર્ડની પસંદગી જસપ્રીત બુમરાહ હતી, જે લગભગ એક વર્ષ સુધી ટીમથી બહાર રહ્યા બાદ વાપસી કરી રહ્યા હતા.

અગરકરનો તર્ક હતો કે બુમરાહ પર વધારાનું દબાણ ન નાખવું જોઈએ, જેથી તેમના વર્કલોડ પર અસર ન પડે. જોકે, BCCIએ અગરકરના મતને બાજુ પર રાખીને બુમરાહને કપ્તાની સોંપી. બોર્ડનું કહેવું હતું કે બુમરાહ પોતે કેપ્ટન બનવામાં રસ દાખવી રહ્યા છે, તેથી તેમને જ કેપ્ટન બનાવવામાં આવશે. ભારતે આયર્લેન્ડ સામેની ત્રણ મેચોની T20 સિરીઝ 2-0થી જીતી લીધી હતી, જ્યારે સિરીઝની છેલ્લી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

BCCIએ અગરકરને હટાવવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ એ લગભગ નક્કી છે કે તેઓ ચીફ સિલેક્ટર પદ પર રહેશે નહીં. ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ બોર્ડ અગરકરને એક્સ્ટેન્શન આપવાની તરફેણમાં નહોતું.

બીજી તરફ, લોર્ડ્સમાં રોહિત શર્માની છેલ્લી મેચ હોવાની અફવાઓ ફેલાતા BCCIએ આગળ આવીને સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. વાસ્તવમાં સિલેક્શન કમિટીએ રોહિતને જણાવી દીધું હતું કે તેમને આગળના પ્લાનમાં સામેલ કરવામાં નહીં આવે. BCCIએ આ મામલે દખલ કરતાં અગરકરે બોર્ડના અધિકારીઓને કહ્યું કે તેઓ ચીફ સિલેક્ટર તરીકે પોતાના કોન્ટ્રાક્ટમાં એક્સ્ટેન્શન નથી ઈચ્છતા.