બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડા 'અર્નબ'ની અસર હજુ પૂરી થઈ નથી ત્યાં જ વધુ એક નવી મોસમી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, દક્ષિણ અંદમાન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં નવું લો-પ્રેશર સર્જાયું છે. હવામાન વિભાગ આ સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યું છે અને આગામી 48 કલાકમાં તે વાવાઝોડાનું રૂપ ધારણ કરી શકે તેવી પ્રબળ શક્યતા છે, જેના કારણે અનેક દક્ષિણી રાજ્યો પર નવું જોખમ તોળાઈ રહ્યું છે.
હવામાન વિભાગના 29 ઓક્ટોબરના બુલેટિન મુજબ, બંગાળની ખાડીમાં સળંગ ચોથું લો-પ્રેશર સર્જાયું છે જે વધુ તીવ્ર બની રહ્યું છે. આ સિસ્ટમ આગામી 24 કલાકમાં દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને અંદમાન સમુદ્રમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ નવું વાવાઝોડું 1 અથવા 2 નવેમ્બર સુધીમાં તમિલનાડુની રાજધાની ચેન્નઈના દરિયાકાંઠા સાથે ટકરાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હાલમાં તેને સત્તાવાર રીતે વાવાઝોડું જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આગામી બે દિવસની સ્થિતિ અત્યંત મહત્ત્વપૂર્ણ રહેશે.
IMDના અનુમાન મુજબ, જો આ નવી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય છે, તો તેની સૌથી વધુ અસર ચેન્નઈ અને ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારો પર પડી શકે છે. અગાઉ આવેલું તીવ્ર વાવાઝોડું 'અર્નબ' તમિલનાડુને છોડીને આંધ્રપ્રદેશ તરફ આગળ વધ્યું હતું, પરંતુ આ નવી સિસ્ટમ સીધી તમિલનાડુને પ્રભાવિત કરી શકે છે. આ ઉપરાંત, આંધ્રપ્રદેશ અને ઓડિશા પણ તેની ઝપેટમાં આવી શકે છે, જોકે આ અંગેની વાસ્તવિક સ્થિતિ આગામી 48 કલાકમાં જ સ્પષ્ટ થશે.
બંગાળની ખાડીમાં બનેલા 'અર્નબ' વાવાઝોડાની અસર આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં જોવા મળી હતી, જ્યાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદ વરસ્યો હતો. હાલમાં આ સિસ્ટમ નબળી પડી રહી છે. IMDના 29 ઓક્ટોબરના અપડેટ મુજબ, 'અર્નબ' વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહ્યું છે, જેના કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે.
'અર્નબ'ના પ્રકોપને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે આંધ્રપ્રદેશ, પુડુચેરી, ઓડિશા અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને લોકોને મદદ પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ સંભવિત સહાયની ખાતરી આપી હતી.