સત્ય. સાહસ. સંકલ્પ.

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન: ઓડિશામાં રેડ એલર્ટ, 33 ODRAF ટીમો તૈનાત

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન: ઓડિશામાં રેડ એલર્ટ, 33 ODRAF ટીમો તૈનાત

બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતમાં ચોમાસું ફરી એકવાર તીવ્ર બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ ઝડપથી આગળ વધીને જમીન તરફ આવી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ઓડિશામાં આની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. તટીય અને દક્ષિણી વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સંભવિત આપત્તિનો સામનો કરવા માટે રાજ્ય સરકારે 33 ઓડ્રાફ (ODRAF) ટીમો તૈનાત કરી છે, જેમાંથી 24 ટીમો અત્યંત સંવેદનશીલ જિલ્લાઓમાં મોકલવામાં આવી છે.

પરિસ્થિતિની ગંભીરતાને જોતાં સાત જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ 24 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ અપાયો છે. કટોકટીના પગલે તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરીને ડ્યુટી પર હાજર રહેવા સૂચના અપાઈ છે.

દરિયાકાંઠે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હોવાથી 24 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયામાં ન જવા અને પુરીના દરિયાકિનારે નાહવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઉત્તર ભારતના રાજ્યોમાં પણ હવામાન પલટાવાના સંકેત મળ્યા છે. પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ગુરુવારથી ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થશે અને 25-26 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનું અનુમાન છે. ઉત્તરાખંડમાં શુક્રવારથી વરસાદનું જોર વધીને શનિવારે પર્વતીય વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. બિહારમાં ગુરુવાર અને શુક્રવારે કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

દિલ્હી-એનસીઆરમાં હાલ કોઈ મોટું એલર્ટ નથી. અહીં બુધવારે હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની સંભાવના છે, જોકે મહત્તમ તાપમાન 34 થી 36 ડિગ્રીની આસપાસ રહેશે.

મધ્ય અને દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, તટીય કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સંબંધિત વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક અપડેટ્સ પર નજર રાખવા અપીલ કરી છે.