સત્ય. સાહસ. સંકલ્પ.

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય, ઓડિશા-આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય, ઓડિશા-આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ

બંગાળની ખાડીમાં એક મજબૂત હવામાન પ્રણાલી સક્રિય થઈ છે, જે આગામી કલાકોમાં વધુ તીવ્ર બનીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમની અસર પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળશે. ખાસ કરીને ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પ્રણાલીના કારણે સંબંધિત વિસ્તારોમાં 70 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે, હાલ આ સિસ્ટમ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તેવી કોઈ શક્યતા નથી. અગાઉ વાવાઝોડું ઉત્તર પ્રદેશ અને નેપાળ સુધી જવાની જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી, તે હાલ ઓછી થઈ ગઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 સપ્ટેમ્બરની મોડી રાત્રે આ સિસ્ટમ તેની મહત્તમ તીવ્રતા સાથે ત્રાટકી શકે છે. તેની સૌથી વધુ અને સીધી અસર ઓડિશા અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં જોવા મળશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ તેની અસર વર્તાશે. આ રાજ્યોમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે.

સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ તેમ તેની અસર ઓડિશા અને આંધ્રપ્રદેશ ઉપરાંત છત્તીસગઢ અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે. ચોમાસું હવે તેની પૂર્ણતાના આરે છે, પરંતુ આ મજબૂત હવામાન પ્રણાલીના કારણે અમુક રાજ્યોમાં વિદાય લેતા ચોમાસાનો કેર જોવા મળી શકે છે. ખેડૂતો અને સ્થાનિક વહીવટીતંત્રને સાવચેત રહેવાની તાકીદ કરવામાં આવી છે. પ્રશાસનને સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા માટે એલર્ટ રહેવા અને જરૂરી તકેદારીના પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.

ડીપ ડિપ્રેશન બન્યા બાદ સિસ્ટમની તીવ્રતા અને તેની ગતિવિધિ પર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે. ગુજરાત રાજ્ય પર આ સિસ્ટમની કોઈ સીધી અસર થશે નહીં, તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. નાગરિકોને હવામાન વિભાગની સત્તાવાર ચેતવણીઓ પર ધ્યાન આપવા અને સુરક્ષાના તમામ પગલાં ભરવા અપીલ કરવામાં આવે છે.