બંગાળની ખાડીમાં હવાના ઓછા દબાણનું નવું ક્ષેત્ર સર્જાવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર આ પ્રણાલી 26 ઑક્ટોબર સુધીમાં ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તેની અસરથી આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વ્યાપક વરસાદની આગાહી છે. જો ચક્રવાત વિકસે તો 27 ઑક્ટોબરથી મધ્યમથી ભારે વરસાદ શરૂ થઈ શકે છે.
ઉત્તર તટીય આંધ્રપ્રદેશમાં 28 અને 29 ઑક્ટોબરના રોજ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં સક્રિય બે હવામાન પ્રણાલીઓને કારણે દક્ષિણ ભારતનાં અનેક રાજ્યોમાં વરસાદનો દોર ચાલુ છે.
હાલમાં ભારતીય ઉપખંડમાં હવામાનની સ્થિતિ જટિલ બની છે. એક તરફ દક્ષિણ ભારતમાં પહેલેથી સક્રિય હવાના ઓછા દબાણના ક્ષેત્રને કારણે વરસાદ પડી રહ્યો છે, બીજી તરફ આંદામાન સમુદ્રમાંથી આગળ વધી રહેલી નવી હવામાન પ્રણાલી પર હવામાનશાસ્ત્રીઓ નજર રાખી રહ્યા છે. આ નવી પ્રણાલી વધુ મજબૂત થવાની શક્યતા છે.
થાઇલેન્ડની ખાડી અને તેની નજીકના મ્યાનમાર વિસ્તારમાં ઉપરના વાતાવરણમાં ચક્રવાતી પરિભ્રમણ સર્જાયું છે, જે સમુદ્રની સપાટીથી આશરે 5.8 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. આ પ્રણાલી 21 ઑક્ટોબરની રાત્રે ઉત્તર આંદામાન સમુદ્ર સુધી પહોંચી ગઈ હતી.
IMD અનુસાર આ પ્રણાલી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે. તેના પ્રભાવથી 23 ઑક્ટોબર સુધીમાં દક્ષિણપૂર્વીય અને તેની નજીકના મધ્ય-પૂર્વીય બંગાળની ખાડીમાં હવાના ઓછા દબાણનું નવું ક્ષેત્ર બનવાની શક્યતા છે.
હવામાનશાસ્ત્રી સુરેન્દ્રનાથ પશુપાલકના જણાવ્યા અનુસાર આ પ્રણાલીને અનુકૂળ પરિસ્થિતિઓ મળી રહી છે. આવી સ્થિતિમાં તે 26 ઑક્ટોબર સુધીમાં નોંધપાત્ર રીતે મજબૂત બની શકે છે.
અમેરિકાની નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA)એ 20 ઑક્ટોબરે જાહેર કરેલા ગ્લોબલ ટ્રોપિકલ હેઝર્ડ્સ આઉટલુકમાં આગામી સપ્તાહ દરમિયાન આ વિસ્તારમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત સર્જાવાની 60 ટકા શક્યતા દર્શાવી છે. હિંદ મહાસાગરમાં સક્રિય મેડન-જુલિયન ઓસિલેશન (MJO) પણ ચક્રવાત માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરી રહ્યું છે. યુરોપિયન હવામાન મોડલ્સની આગાહીઓ પણ આ શક્યતાને સમર્થન આપે છે.
જોકે IMDનું કહેવું છે કે અત્યારે ચક્રવાત સર્જાવાની સત્તાવાર જાહેરાત કરવી અથવા તે કયા સ્થળે દરિયાકાંઠે ટકરાશે તે જણાવવું વહેલું ગણાશે.
પ્રારંભિક અંદાજ મુજબ આ પ્રણાલી પહેલાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અથવા ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે અને ત્યારબાદ આંધ્રપ્રદેશ તથા ઓડિશાના દરિયાકાંઠા તરફ વળી શકે છે. તેનો વાસ્તવિક માર્ગ અને તીવ્રતા ઉપોષ્ણકટિબંધીય ઉચ્ચ દબાણવાળા ક્ષેત્રની સ્થિતિ તથા ઉપરના વાતાવરણમાં સર્જાતી અન્ય પ્રણાલીઓ પર આધારિત રહેશે. આગામી ત્રણ દિવસ આ પ્રણાલીની દિશા અને તાકાતનું મૂલ્યાંકન કરવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ રહેશે.
સંભવિત ચક્રવાતી પ્રણાલીને ધ્યાનમાં રાખીને IMDએ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 26થી 29 ઑક્ટોબર દરમિયાન વરસાદ વધવાની ચેતવણી આપી છે. 26 ઑક્ટોબર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનના ઝાપટાં ફૂંકાવાની આગાહી છે.
બંગાળની ખાડીમાં સર્જાનારી નવી પ્રણાલી ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં તમિલનાડુના દરિયાકાંઠા નજીક હવાના ઓછા દબાણનું ક્ષેત્ર પહેલેથી સક્રિય છે. તેના કારણે છેલ્લાં 24 કલાક દરમિયાન તમિલનાડુ અને કેરળમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારોમાં 12થી 20 સેન્ટિમીટર સુધી વરસાદ પડ્યો હતો, જ્યારે રાયલસીમામાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે અને ચેન્નઈ સહિત અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે.
તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કેરળમાં 25 ઑક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. લક્ષદ્વીપ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોના માછીમારોને સાવચેત રહેવાની સલાહ આપી છે. તેમને દરિયામાં જવાનું ટાળવા અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી ચેતવણીઓનું પાલન કરવા જણાવાયું છે.