સત્ય. સાહસ. સંકલ્પ.

બંગાળની ખાડીમાં લો-પ્રેશર, 'અર્નબ' વાવાઝોડું બનવાની શક્યતા; 8 રાજ્યોમાં 27 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી

બંગાળની ખાડીમાં લો-પ્રેશર, 'અર્નબ' વાવાઝોડું બનવાની શક્યતા; 8 રાજ્યોમાં 27 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી

બંગાળની ખાડીમાં બનેલું લો-પ્રેશર એરિયા વધુ ગંભીર બનીને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. જો તે વધુ તીવ્ર બનશે તો આ વર્ષનું પ્રથમ વાવાઝોડું 'અર્નબ' કહેવાશે.

સ્કાઇમેટના જણાવ્યા મુજબ, હાલ આ સિસ્ટમ મધ્ય-પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચી ગઈ છે. મંગળવાર સુધીમાં તે વધુ દબાણમાં આવીને 'ડીપ ડિપ્રેશન'માં ફેરવાઈ શકે છે. 23 સપ્ટેમ્બર, બુધવારે આ સિસ્ટમ ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકિનારે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે.

હવામાન વિભાગ અને સ્કાઇમેટના પૂર્વાનુમાન પ્રમાણે, આ તોફાનની અસર 8 રાજ્યોમાં 27 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદના સ્વરૂપમાં જોવા મળી શકે છે. ઉત્તર આંધ્રપ્રદેશ, દક્ષિણ ઓડિશા, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારનું જોખમ છે.

દરિયાકિનારે સૌથી વધુ અસર ઉત્તર આંધ્રપ્રદેશ, દક્ષિણ ઓડિશા અને તેલંગાણામાં થવાની શક્યતા છે. આ વિસ્તારોમાં મંગળવારથી વાદળછાયું વાતાવરણ અને ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. 27 સપ્ટેમ્બર સુધી નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

માત્ર દરિયાકિનારા પૂરતી જ નહીં, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશના પૂર્વ ભાગો અને મહારાષ્ટ્રના વિદર્ભમાં પણ ભારે વરસાદ પડી શકે છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પૂરનું સંકટ ઊભું થઈ શકે છે.

ભુવનેશ્વર હવામાન કેન્દ્રના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું કે, સિસ્ટમ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઓડિશાના દક્ષિણ જિલ્લાઓમાં 22 સપ્ટેમ્બરથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અને 25 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. લોકોને ગભરાયા વિના જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.