સત્ય. સાહસ. સંકલ્પ.

બંગાળની ખાડીમાં ચક્રવાત મજબૂત: આંધ્રપ્રદેશ-ઓડિશા સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

બંગાળની ખાડીમાં ચક્રવાત મજબૂત: આંધ્રપ્રદેશ-ઓડિશા સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર પર સર્જાયેલું લો-પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ 31 ઓક્ટોબરની સવારે 8:30 વાગ્યે આ સિસ્ટમ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર હતી અને આગામી 24 કલાકમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.

વિભાગના જણાવ્યા મુજબ આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને 2 નવેમ્બરની સાંજ સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક પહોંચી શકે છે. તેને ધ્યાનમાં રાખીને દક્ષિણ અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં 2 અને 3 નવેમ્બરે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. રાયલસીમા વિસ્તારમાં પણ આ બે દિવસ ભારે વરસાદની શક્યતા છે. ઓડિશા માટે 3 અને 4 નવેમ્બરે વધુ ચેતવણી જારી કરાઈ છે. આ વિસ્તારોમાં 3 નવેમ્બરે પવનની ગતિ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. સ્થાનિક પ્રશાસનને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.

તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 6 નવેમ્બર સુધી તૂટક તૂટક વરસાદ ચાલુ રહી શકે છે. કેરળ અને માહેમાં 1થી 4 નવેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે, જ્યારે તેલંગાણા અને કર્ણાટકમાં 2થી 5 નવેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ અસર દક્ષિણ ભારત પૂરતી મર્યાદિત નથી. ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં પણ ભારે પવન અને વરસાદની ચેતવણી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 31 ઓક્ટોબરે વ્યાપક વરસાદની શક્યતા જણાવાઈ હતી.

મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે. છત્તીસગઢમાં 3 અને 4 નવેમ્બરે ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 4 નવેમ્બર સુધી 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તરપૂર્વના રાજ્યો — અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આખા અઠવાડિયા દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે. અરુણાચલ પ્રદેશમાં 1 અને 2 નવેમ્બરે ભારે વરસાદની આગાહી છે.

તોફાની હવામાન અને દરિયામાં ઊંચા મોજાંની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે. સ્થાનિક અધિકારીઓને કોઈપણ આપત્તિનો સામનો કરવા તૈયારીઓ મજબૂત કરવાના નિર્દેશ અપાયા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 48 કલાક આ સિસ્ટમ માટે નિર્ણાયક રહેશે.