અમદાવાદ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) ટીમે બાવળા તાલુકાના રજોડા ગામની સીમમાં આવેલી 'હનુમાનજી માર્બલ એન્ડ આર્ટ' નામની ઓફિસના કંપાઉન્ડમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં માર્બલની આડમાં છુપાવીને રાખવામાં આવેલો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપાયો છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે લગભગ 259 પેટી દારૂ અને બિયર મળી આવ્યા હતા, જેમાં 5,496 બોટલ અથવા ટીન સામેલ હતા. આ જથ્થાની કિંમત આશરે રૂ. 13.31 લાખ જેટલી થાય છે. દારૂની આ હેરાફેરીમાં વપરાયેલું ટ્રક, સ્કૂટર અને ત્રણ મોબાઇલ ફોન પણ પોલીસે જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 24.46 લાખ જણાવવામાં આવી છે.
આ મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. તેમના નામ ચિંતનસિંહ ઉર્ફે ચિન્ટુ રાઠોડ, રમેશચંદ્ર ઉર્ફે રમેશ લખુમ્બરા અને કિશન ગુર્જર હોવાનું જણાવાયું છે. આરોપીઓ માર્બલના વ્યવસાયના બહાને દારૂની હેરાફેરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.