અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ઢેઢાળ ગામ નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલમાંથી આઠ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકીનું નામ શારદા કન્યા ડાવર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
કેનાલમાં પાણીમાં બાળકીની લાશ તણાતી જોઈને સ્થાનિક ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થયા હતા. ગ્રામજનોએ મહેનત કરીને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો અને તંત્રને જાણ કરી હતી.
પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ, બાળકી લોદરિયાલ ગામ પાસે કેનાલમાં પડી ગઈ હોવાનું મનાય છે. પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો છે અને હાલ રજોડા ખાતે ખાનગી નોકરી કરીને ગુજરાન ચલાવે છે. પરિવાર લોદરિયાલ ગામે રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. બાળકીના મૃતદેહને બાવળા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કરી છે.
બાળકી કેનાલ સુધી કેવી રીતે પહોંચી અને આ મામલો અકસ્માતનો છે કે કોઈ અપરાધનો, તે દિશામાં બાવળા પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.