સત્ય. સાહસ. સંકલ્પ.

બાવળા-બગોદરા હાઈવે પર ઓઈલ મિલમાં વહેલી સવારે આગ, છ ફાયર ગાડીઓએ કાબૂ મેળવ્યો

બાવળા-બગોદરા હાઈવે પર ઓઈલ મિલમાં વહેલી સવારે આગ, છ ફાયર ગાડીઓએ કાબૂ મેળવ્યો

અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર કલ્યાણગઢ ગામ નજીક આવેલી ખાનગી ઓઈલ મિલમાં વહેલી સવારે આગ લાગી હતી. તીવાના ઓઈલ મિલમાં સવારે આશરે 4 વાગ્યે આગ ફાટી નીકળી હતી અને થોડા સમયમાં જ તેણે મોટું સ્વરૂપ ધારણ કર્યું. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં ધોળકા નગરપાલિકા, બાવળા અને સાણંદ ફાયર વિભાગની કુલ ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગની ગંભીરતા જોઈને અમદાવાદથી પણ બે ફાયર ફાઈટરની ગાડીઓ બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

બીજી તરફ બગોદરા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અત્યાર સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સત્તાવાર કારણ જાહેર થયું નથી.