જો કોઈ અજાણી વ્યક્તિ તમને ફોન કરીને કહે કે ડ્રાઇવિંગ ટેસ્ટ કે ઓનલાઈન પરીક્ષા આપ્યા વિના જ તમને ઘરે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ મળી જશે, તો સાવધાન થઈ જજો. આવા દાવા છેતરપિંડીના હોઈ શકે છે.
તાજેતરમાં બારડોલી પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO)ના નામે એક ઓનલાઈન કૌભાંડ સામે આવ્યું છે. બે ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં એક શખ્સ દાવો કરે છે કે તે કોઈપણ ઓનલાઈન કે ઓફલાઈન ડ્રાઇવિંગ ટેસ્ટ વગર લાયસન્સ કાઢી આપશે. તે લાયસન્સ દીઠ 4,000 રૂપિયા માંગે છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે તે દાવો કરે છે કે આ કામગીરી બારડોલી RTO કચેરીની અંદર જ ચાલે છે.
આ વાયરલ ઓડિયો ક્લિપની જાણ બારડોલી RTO અધિકારી સી.ડી. પટેલને થતાં તેમણે મામલાની ગંભીરતાથી નોંધ લીધી. સરકારી કચેરીની છબી ખરડાવવાના અને નાગરિકોને છેતરવાના આ કૃત્ય સામે તેમણે કથિત વ્યક્તિના મોબાઈલ નંબરના આધારે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ પ્રકારની ઘટના અગાઉ પણ બની ચૂકી છે. સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકમાં પણ આવી જ ફરિયાદ દાખલ થઈ હતી. તે ઘટનામાં 6 વ્યક્તિઓને ડ્રાઇવિંગ ટેસ્ટ વગર લાયસન્સ આપવાની લાલચ આપીને કુલ 46,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા અને પછી છેતરપિંડી કરવામાં આવી હતી.
બારડોલી RTO અધિકારીએ જાહેર જનતાને અપીલ કરી છે કે મોટર વ્હીકલ એક્ટના નિયમો મુજબ ઓનલાઈન કોમ્પ્યુટર ટેસ્ટ અને ટ્રેક પર પ્રેક્ટિકલ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવા ફરજિયાત છે. આ બંને ટેસ્ટ વગર કોઈને લાયસન્સ ઈશ્યુ કરવામાં આવતું નથી. તેથી સોશિયલ મીડિયા કે ફોન પર ટેસ્ટ વગર લાયસન્સની લાલચ આપતા લોકોથી ભરમાવું નહીં અને પોતાના મહેનતના પૈસા ગુમાવવા નહીં.