સત્ય. સાહસ. સંકલ્પ.

બરડા ડુંગરમાં શિયાળામાં કેસર કેરી: ઈતિહાસમાં પ્રથમ વખત ઓક્ટોબરમાં મોર, પોરબંદર યાર્ડમાં 160 બોક્સ વેચાયા

બરડા ડુંગરમાં શિયાળામાં કેસર કેરી: ઈતિહાસમાં પ્રથમ વખત ઓક્ટોબરમાં મોર, પોરબંદર યાર્ડમાં 160 બોક્સ વેચાયા

પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં 1 નવેમ્બરથી 15 નવેમ્બર વચ્ચે કેસર કેરીના 160 બોક્સ હરાજીમાં વેચાઈ ગયા. શરૂઆતમાં એક બોક્સનો ભાવ 14,500 રૂપિયા હતો, જે હવે 4,000 રૂપિયા સુધી આવી ગયો છે. એક દિવસ 40 બોક્સ, એક દિવસ 21 બોક્સ, એક દિવસ 12 બોક્સ એમ રોજની અલગ અલગ હરાજી થઈ.

આ કેરી ગીરની નહીં, પણ બરડા ડુંગરની છે. બરડા પંથકમાં 560 હેક્ટરમાં આંબાનું વાવેતર છે, પરંતુ દરેક આંબામાં કેરી આવે એ જરૂરી નથી. આ વખતે અમુક ખેડૂતોના આંબામાં કેરી આવી છે.

બરડામાં શિયાળામાં કેરી કેમ આવી? પોરબંદર બાગાયત વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર કલ્પના પંચાલ કહે છે કે બરડાની જમીન નીચે ચૂનાના પથ્થર છે. સામાન્ય રીતે આંબામાં ફેબ્રુઆરી-માર્ચમાં મોર આવે છે, પણ ચૂનાના પથ્થરોની સુષુપ્ત અવસ્થા (ડોર્મન્સી) વધુ ગરમીમાં તૂટી જાય છે અને ગરમી છૂટે છે, જેથી વહેલું ફ્લાવરિંગ થાય છે. આ વખતે ઓગસ્ટમાં જ મોર આવી ગયા હતા, જે ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે. પરિણામે ઓક્ટોબરમાં કેરી આવી.

પોરબંદર યાર્ડના સુદામા ફ્રૂટના એજન્ટ નીતિન દાસાણી કહે છે, 'સામાન્ય રીતે શિયાળાની શરૂઆતમાં કેરી આવતી નથી, પણ બરડાની કેરી છેલ્લા ચાર વર્ષથી આવે છે. ક્રિસમસ આસપાસ બારમા મહિનામાં અમે કેસર કેરીનું બોક્સ 10થી 12 હજાર રૂપિયામાં વેચીએ છીએ. આ વખતે પહેલીવાર ઓક્ટોબરમાં કેરી આવી ગઈ. અમારા માટે પણ આ મિરેકલ છે. અમે યાર્ડના વેપારીઓએ 2026ને મિરેકલ યર કહ્યું છે.'

શરદ પૂનમના દિવસે પહેલું બોક્સ 14,500 રૂપિયામાં વેચાયું હતું. પછી 12 હજાર, 9 હજાર, 5 હજાર અને હાલ 4,000 રૂપિયાના ભાવે બોક્સ વેચાઈ રહ્યું છે. એક બોક્સમાં 10 કિલો કેરી આવે છે. એટલે શિયાળાની શરૂઆતમાં બરડા ડુંગરમાંથી લગભગ 2 હજાર કિલો કેસર કેરી ઉતરી છે. નીતિનભાઈ કહે છે કે લંડનવાળા વધારે કેરી લઈ જાય છે અને રાજકોટથી પણ ઘણા લોકો લઈ જાય છે.

તાલાલા અને બરડાની કેસર કેરીમાં સ્વાદનો થોડો ફરક છે. કલ્પના પંચાલ કહે છે કે બરડાની કેરીમાં ટોટલ સોલ્યુબલ સોલિડ્સ (TSS) વધારે હોય છે, એટલે તે ગીરની કેરી કરતાં વધુ મીઠી લાગે છે. ઉનાળાની સીઝનમાં તાલાલાની કેરીનું બોક્સ 500 રૂપિયાનું હોય તો બરડાની કેરીનું બોક્સ 800 રૂપિયાનું મળે છે. બરડાની કેરી તાલાલા જેટલી ફેમસ નથી કારણ કે વાવેતરનો વિસ્તાર મર્યાદિત છે અને ઘણી વખત બરડાની કેરી પણ 'તાલાલા' લખેલા બોક્સમાં જ વેચાય છે.

એક મોરમાં 3થી 4 હજાર ફૂલ હોય છે, જેમાંથી માંડ એકાદ કેરી બને છે. મોટા આંબા પર 400-500 જેટલા મોર આવે છે. આમ, કુદરતી રીતે જ આ વખતે બરડામાં વહેલી અને વધુ કેરી થઈ છે.