સત્ય. સાહસ. સંકલ્પ.

લંડનમાં BAPS મંદિર ખાતે સંસ્કૃત પાઠશાળાનો શુભારંભ, 350થી વધુ બાળકો જોડાયા

લંડનમાં BAPS મંદિર ખાતે સંસ્કૃત પાઠશાળાનો શુભારંભ, 350થી વધુ બાળકો જોડાયા

લંડનના નીસડન સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 'અક્ષર પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળા'નું ઉદ્ઘાટન થયું છે. BAPS સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે આ પાઠશાળા શરૂ કરવામાં આવી. ડિજિટલ યુગમાં નવી પેઢીનું ધ્યાન મોબાઇલ, ગેજેટ્સ અને AI તરફ વધી રહ્યું છે ત્યારે યુવાનોને પ્રાચીન સંસ્કૃત ભાષા તરફ વાળવાનો આ પ્રયાસ છે.

24 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા 'સત્સંગદીક્ષા સન્માન મહોત્સવ'માં મહંત સ્વામી મહારાજે પત્ર દ્વારા લંડન પ્રવાસ દરમિયાન મંદિરમાં સંસ્કૃત પાઠશાળા શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તે સંકલ્પ અનુસાર આ પાઠશાળા શરૂ થઈ છે. પાઠશાળાનું નામકરણ પણ મહંત સ્વામી મહારાજે જ કર્યું છે.

આ પ્રસંગે મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની શાસ્ત્રીય અને સંસ્કૃત અધ્યયનની પરંપરા વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી સંસ્કૃતમાં શાસ્ત્રરચનાની પરંપરા રહી છે, જેને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે પ્રોત્સાહન આપ્યું હતું. લંડનના બાળકો, કિશોરો અને યુવાનો સંસ્કૃત શીખીને સહજતાથી વાતચીત કરી શકે તે મુખ્ય ઉદ્દેશ્ય છે.

ઉદ્ઘાટન પહેલાં જ 350થી વધુ બાળ-યુવા વિદ્વાનો સંસ્કૃત અભ્યાસ સાથે જોડાઈ ચૂક્યા હતા. સમારોહમાં બાળકો અને યુવાનોએ સંસ્કૃતમાં સંવાદ આધારિત પ્રસ્તુતિ કરી, જેમાં મહંત સ્વામી મહારાજના પેરિસ અને લંડનના આધ્યાત્મિક વિચરણના સંસ્મરણો વાગોળ્યા અને પાઠશાળાની ભેટ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી.

મહંત સ્વામી મહારાજે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ઉદ્ઘાટન તકતીનું પૂજન કરી મંગલદીપ પ્રગટાવ્યો. તેમણે સંસ્કૃતમાં આશીર્વચન આપીને ભાવિકોને સંસ્કૃત શીખવા પ્રેરણા આપી. આ પાઠશાળા બ્રિટનમાં ભારતીય જ્ઞાનપરંપરા, સંસ્કૃત વિદ્યા અને આધ્યાત્મિક મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.