સત્ય. સાહસ. સંકલ્પ.

135 વર્ષ જૂનો બેંકિંગ કાયદો બદલાયો: હવે ડિજિટલ અને ક્લાઉડ રેકોર્ડ પણ કોર્ટમાં પુરાવો બનશે

135 વર્ષ જૂનો બેંકિંગ કાયદો બદલાયો: હવે ડિજિટલ અને ક્લાઉડ રેકોર્ડ પણ કોર્ટમાં પુરાવો બનશે

દેશમાં બેંકિંગ વ્યવહારો હવે મોટા ભાગે ડિજિટલ થઈ ગયા છે, પણ કોર્ટમાં પુરાવા તરીકે 1891ના જૂના કાયદા હેઠળ ફિઝિકલ રેકોર્ડની જ ગણતરી થતી હતી. આ સ્થિતિ હવે બદલાવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે 135 વર્ષ જૂના 'બેંકર્સ બુક્સ એવિડન્સ એક્ટ'ને બદલે નવો કાયદો લાવવાની જાહેરાત કરી છે.

નાણા મંત્રાલયે 'બેંકર્સ બુક્સ એવિડન્સ એક્ટ, 2026'ને 1 ઓક્ટોબર, 2026થી અમલમાં મૂકવાનું નોટિફિકેશન જાહેર કર્યું છે. આ કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી 13 ઓગસ્ટે મળી ચૂકી છે. નવો કાયદો જૂના કાયદાનું સ્થાન લેશે.

નવા કાયદાની સૌથી મહત્ત્વની જોગવાઈ એ છે કે તેમાં બેંકિંગ રેકોર્ડની વ્યાખ્યા ટેક્નોલોજીને અનુરૂપ વિસ્તારવામાં આવી છે. હવે ફિઝિકલ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ, વર્ચ્યુઅલ અને ક્લાઉડ આધારિત રેકોર્ડને પણ 'બેંકર્સ બુક્સ'માં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બેકઅપ અને ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર સંગ્રહિત રેકોર્ડ પણ આ માળખા હેઠળ આવશે. એટલે ટેક્નોલોજીમાં થતા ફેરફારો સાથે કાયદો પણ સુસંગત રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નવા કાયદામાં ફિઝિકલ અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ માટે અલગ પ્રમાણપત્રની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ અનુસૂચિ (First Schedule) હેઠળ ફિઝિકલ રેકોર્ડ અને બીજી અનુસૂચિ (Second Schedule) હેઠળ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ માટે પ્રમાણપત્રની જોગવાઈ છે. આ પ્રમાણપત્રો મેન્યુઅલ ઉપરાંત ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 હેઠળ માન્ય ડિજિટલ કે ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષરથી પણ પ્રમાણિત કરી શકાશે. ખાસ વાત એ છે કે કોઈ બેંકિંગ રેકોર્ડ માત્ર ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં છે એટલા માટે તેની પુરાવા તરીકેની સ્વીકાર્યતા નકારી શકાશે નહીં. તેની અસલિયત, અખંડિતતા અને સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કાયદામાં જરૂરી સુરક્ષાત્મક જોગવાઈઓ કરવામાં આવી છે.

નવા કાયદામાં બેંક કાર્યવાહીનો પક્ષકાર ન હોય તેવા બેંક અધિકારીઓને કોર્ટમાં બોલાવવા અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આવા અધિકારીને સમન્સ પાઠવવા માટે કોર્ટને 'special cause' લેખિતમાં નોંધવું પડશે. કાયદામાં પહેલીવાર 'special cause'નો અર્થ પણ સ્પષ્ટ કરવામાં આવ્યો છે, જેથી બેંકના અધિકારીઓ કે રેકોર્ડને કોર્ટમાં બોલાવવાની પ્રક્રિયા વધુ મર્યાદિત અને સ્પષ્ટ બને.

કેન્દ્ર સરકારને નોટિફિકેશન દ્વારા નાણાકીય ક્ષેત્રની ચોક્કસ સંસ્થાઓ કે સંસ્થાઓના વર્ગો સુધી આ કાયદાની જોગવાઈઓ વિસ્તારવાની સત્તા પણ આપવામાં આવી છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સુધારાઓનો હેતુ ટેક્નોલોજીકલ પરિવર્તન અને બદલાતી આર્થિક જરૂરિયાતો સાથે કાયદાને આધુનિક બનાવવાનો છે. સાથે જ વેપાર-ધંધામાં સરળતા (Ease of Doing Business)ને પ્રોત્સાહન આપી વધુ કાર્યક્ષમ અને આધુનિક નાણાકીય વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.