દેશમાં પહેલીવાર રવિવારે બેંકો ખુલ્લી રહી છે. અંગ્રેજ શાસનકાળથી રવિવારે બેંકો અને સરકારી કચેરીઓ બંધ રહેતી આવી છે. પણ આજે રાષ્ટ્રીયકૃત બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે.
કારણ સ્પષ્ટ છે. સોમવાર 28 સપ્ટેમ્બરથી બુધવાર 30 સપ્ટેમ્બર સુધી બેંક કર્મચારીઓની હડતાળ છે. શનિવાર 26 સપ્ટેમ્બરે પણ બેંકની રજા હતી. એટલે લોકોનું કામ સળંગ પાંચ દિવસ અટકી ન જાય તે માટે રવિવારે બેંકો ખોલવી જરૂરી બની છે.
ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના જણાવ્યા મુજબ, પ્રોત્સાહનની યોજનામાં કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે થતા ભેદભાવ સામે અને છેલ્લા 11 વર્ષથી ચાલી આવતી પાંચ દિવસના કામકાજના સપ્તાહની માંગ સાથે ગુજરાતમાં 50 હજાર બેંક કર્મચારીઓ હડતાળ પર જશે.
વર્ષ 2015માં બેંક કર્મચારીઓએ મહિનાના ચારેય શનિવાર રજા રાખવાની માંગ કરી હતી. ત્યારે IBAA અને સરકારની મંજૂરીથી મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રાખવાનું નક્કી થયું હતું. વર્ષ 2020માં 12મા દ્વિપક્ષીય કરારમાં પાંચ દિવસના સપ્તાહ અંગે નિર્ણયનો પ્રસ્તાવ મૂકાયો હતો. પણ નાણા મંત્રાલયે આજ સુધી કોઈ નિર્ણય ન લીધો, એટલે હડતાળ સિવાય કોઈ રસ્તો નથી, એવો દાવો યુનિયને કર્યો છે.
આજે કઈ બેંકો ખુલ્લી રહેશે?
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનરા બેંક જેવી સરકારી બેંકો ખુલ્લી રહેશે. પ્રાદેશિક ગ્રામીણ બેંકો પણ ખુલ્લી રહેશે. જ્યારે HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક જેવી ખાનગી બેંકો બંધ રહે તેવી શક્યતા વધુ છે. કેટલીક ખાનગી બેંકોએ ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે, પણ એ બધી બેંકો માટે ફરજિયાત નથી.
સહકારી બેંકો હડતાળમાં નથી
સહકારી બેંકિંગ સાથે જોડાયેલી મુખ્ય સંસ્થાઓ NAFCUB, NUCFDC અને NAFSCoBએ સ્પષ્ટ કર્યું છે કે સહકારી બેંકો આ ત્રણ દિવસની હડતાળમાં સામેલ નહીં થાય. એટલે 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન સહકારી બેંકો ચાલુ રહેશે. પણ આજે રવિવાર હોવાથી એ બંધ જ રહેશે.
બેંક કેટલા વાગ્યા સુધી ખુલ્લી?
આજે બેંકો સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. ગ્રાહકોએ આ સમયગાળામાં જ પોતાના બેંકના કામ પતાવી લેવા જોઈએ, કારણ કે આગામી ત્રણ દિવસ સુધી બેંકની સામાન્ય સેવાઓ મળવી મુશ્કેલ બનશે. ATM, મોબાઈલ બેંકિંગ અને ઓનલાઈન ટ્રાન્સફર સેવાઓ પર હડતાળની સીધી અસર ઓછી રહેવાની ધારણા છે, પણ શાખામાં જવું પડે તેવા કામ પહેલા પતાવી લેવા સલાહભર્યું છે.