બેંકના ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. 28થી 30 સપ્ટેમ્બર સુધી જાહેર કરાયેલી ત્રણ દિવસની સળંગ બેંક હડતાળ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. રવિવારે મોડી રાત્રે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો.
રવિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે IBA અને UFBUના પ્રતિનિધિઓ વચ્ચે હડતાળના મુદ્દે વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બેંકિંગ ક્ષેત્રના સુધારા અને કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓ પર ચર્ચા થઈ હતી. બંને પક્ષો વચ્ચે સકારાત્મક ચર્ચા બાદ કેટલાક મુદ્દે સર્વસંમતિ સધાઈ, જેના પગલે યુનિયનોએ હડતાળ મુલતવી રાખવાની જાહેરાત કરી છે.
5 દિવસના બેંકિંગ સપ્તાહ માટે સંયુક્ત સમિતિ
બેંક યુનિયનોની મુખ્ય માંગણી અઠવાડિયામાં પાંચ દિવસ બેંકિંગ કામગીરી (શનિવાર અને રવિવાર રજા)ની છે. આ મુદ્દાના કાયમી ઉકેલ માટે IBA અને UFBUના સભ્યોની ઉચ્ચ સ્તરીય સંયુક્ત સમિતિ રચવાનો નિર્ણય લેવાયો છે. આ સમિતિ પાંચ દિવસના સપ્તાહ અંગેના તમામ વિકલ્પો પર વિચારણા કરશે. બેંકના હિસ્સેદારો અને ગ્રાહકો સાથે પણ ચર્ચા કરવામાં આવશે, જેથી બેંક કર્મચારીઓ અને ગ્રાહકો બંને માટે સ્વીકાર્ય ઉકેલ મળે.
PLI અને અન્ય પડતર મુદ્દા
બેઠકમાં સ્કેલ 4 અને તેનાથી ઉપરના ઉચ્ચ અધિકારીઓ માટેની પર્ફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના પર પણ ચર્ચા થઈ. યુનિયનોએ ઉઠાવેલા વાંધા અને સૂચનો ધ્યાનમાં લઈને જરૂરી ફેરફાર સાથે નવો પ્રસ્તાવ સરકારને મોકલવા IBA સાથે વાટાઘાટો શરૂ કરવામાં આવશે. 8 માર્ચ, 2024ની બેઠકની મિનિટ્સમાં નોંધાયેલા અન્ય બાકી મુદ્દાઓના ઝડપી ઉકેલ માટે પણ ચર્ચા ચાલુ રહેશે.
હડતાળ રદ નથી, 26 ઓક્ટોબરની ચીમકી યથાવત
નોંધનીય છે કે હડતાળ માત્ર મુલતવી રાખવામાં આવી છે, રદ કરવામાં આવી નથી. UFBUએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો બેઠકમાં થયેલા કરારો અને વ્યાજબી માંગણીઓ સમયસર પૂર્ણ નહીં થાય તો 26 ઓક્ટોબરથી દેશવ્યાપી અનિશ્ચિત મુદતની બેંક હડતાળ શરૂ થઈ શકે છે.
UFBU ટૂંક સમયમાં રવિવારની બેઠકમાં થયેલા કરારોની વિગતો જાહેર કરશે. હાલ 28થી 30 સપ્ટેમ્બરના દિવસો રાબેતા મુજબ ચાલુ રહેશે, જેથી લાખો ગ્રાહકો અને વેપારીઓની ચિંતા ટળી છે.