સત્ય. સાહસ. સંકલ્પ.
⚡ આ સ્ટોરીનું નવું અપડેટ ઉપલબ્ધ છે: 28થી 30 સપ્ટેમ્બરની બેંક હડતાળ મુલતવી, બેંકો ખુલ્લી રહેશે →

બેંક હડતાળ ટળી: 28થી 30 સપ્ટેમ્બર સુધી બેંકો ખુલ્લી રહેશે

બેંક હડતાળ ટળી: 28થી 30 સપ્ટેમ્બર સુધી બેંકો ખુલ્લી રહેશે

દેશભરમાં 28 સપ્ટેમ્બરથી શરૂ થવાની બેંક કર્મચારીઓની ત્રણ દિવસીય હડતાળ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને બેંક યુનિયનોના મુખ્ય સંગઠન યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે 27 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં સકારાત્મક સહમતિ સધાતા યુનિયનોએ હડતાળ મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત કરી છે.

આ નિર્ણયથી દેશભરના કરોડો બેંક ગ્રાહકોને રાહત થશે. સોમવારથી તમામ સરકારી અને ખાનગી બેંકોની શાખાઓ સામાન્ય દિવસોની જેમ કાર્યરત રહેશે અને રોકડ જમા-ઉપાડ, ચેક ક્લિયરિંગ, ડીમાન્ડ ડ્રાફ્ટ અને કેવાયસી જેવી સેવાઓ અટકશે નહીં.

યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સે સપ્તાહમાં પાંચ દિવસ કામકાજ (5-Day Work Week) લાગુ કરવા અને મહિનાના બાકી રહેતા તમામ શનિવારો રજા જાહેર કરવાની મુખ્ય માંગ સાથે હડતાળનું એલાન આપ્યું હતું. હાલ બેંકોમાં ફક્ત બીજા અને ચોથા શનિવારે રજા હોય છે.

27 સપ્ટેમ્બરની બેઠકમાં નક્કી થયું છે કે બાકીના શનિવારોને રજા જાહેર કરવાના મુદ્દે સર્વગ્રાહી ચર્ચા માટે IBA અને UFBUની સંયુક્ત ઉચ્ચસ્તરીય સમિતિ તાત્કાલિક ધોરણે રચાશે. આ સમિતિ તમામ ટેકનિકલ પાસાઓ અને હિતધારકોના મંતવ્યો ચકાસીને વહેલી તકે ઉકેલ લાવશે.

આ ઉપરાંત, પરફોર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ સ્કેલ-IV અને તેનાથી ઉપરના અધિકારીઓના પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરીને આગળ વધારવા પર સહમતિ બની છે. 8 માર્ચ 2024ની અગાઉની બેઠકની મિનિટ્સમાં દર્શાવેલા પેન્શન અપડેશન સહિતના પેન્ડિંગ મુદ્દાઓ પર પણ બંને પક્ષો ઝડપથી વાટાઘાટો પૂર્ણ કરી ઉકેલ લાવવા સંમત થયા છે.

અગાઉ 28થી 30 સપ્ટેમ્બર સુધી દેશવ્યાપી હડતાળ યોજાવાની હોવાથી શાખાઓમાં કાઉન્ટર કામકાજ ઠપ થઈ જવાની ભીતિ હતી. કેટલીક બેંકોએ ગ્રાહકોની સુવિધા માટે રવિવારે પણ શાખાઓ ખુલ્લી રાખવી પડી હતી.