સત્ય. સાહસ. સંકલ્પ.

બેંક હડતાળ પહેલાં રાહત: 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ATM ઉપાડ પર ચાર્જ માફ

બેંક હડતાળ પહેલાં રાહત: 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ATM ઉપાડ પર ચાર્જ માફ

દેશભરની સરકારી અને ખાનગી બેંકો 28થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસીય હડતાળ પર રહેવાની છે. આ હડતાળ પહેલાં સરકારી બેંકોએ ગ્રાહકોને રાહત આપતો નિર્ણય લીધો છે. હડતાળના ત્રણ દિવસ દરમિયાન ATMમાંથી પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ લાગશે નહીં. નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ વખત પૈસા ઉપાડવા પર લાગતો વધારાનો ચાર્જ પણ માફ કરવામાં આવ્યો છે.

આ નિર્ણયની જાહેરાત SBI, પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા (BoB), યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન બેંક સહિતની સરકારી બેંકોએ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પરના પોતાના સત્તાવાર પેજ પર આ માહિતી ગ્રાહકો સાથે શેર કરી છે.

આનો અર્થ એ છે કે હડતાળ દરમિયાન ગ્રાહકો પોતાની બેંકના ATM ઉપરાંત અન્ય બેંકોના ATMમાંથી પણ પૈસા ઉપાડી શકશે અને નક્કી કરેલી મફત મર્યાદા કરતાં વધુ વખત ઉપાડ પર વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.

પૈસા ઉપાડવાનો સામાન્ય નિયમ શું છે?

RBIના નિયમો અનુસાર, સામાન્ય રીતે ગ્રાહકો પોતાની બેંકના ATMમાંથી દર મહિને 5 વખત મફત પૈસા ઉપાડી શકે છે. મોટા શહેરોમાં બીજી બેંકના ATMમાંથી 3 વખત, જ્યારે અન્ય જગ્યાઓએ 5 વખત મફત કેશ ઉપાડવાની સુવિધા હોય છે. આ મર્યાદા કરતાં વધુ વખત ATMનો ઉપયોગ કરવા પર બેંક ચાર્જ વસૂલી શકે છે. પરંતુ 28થી 30 સપ્ટેમ્બરની હડતાળ દરમિયાન આ વધારાનો ચાર્જ કામચલાઉ ધોરણે માફ કરવામાં આવ્યો છે.

શા માટે થઈ રહી છે હડતાળ?

'યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ'ના બેનર હેઠળ બેંક કર્મચારીઓ 28થી 30 સપ્ટેમ્બર સુધી હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા છે. બેંક યુનિયનોની મુખ્ય માંગણીમાં અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ બેંક ખોલવાની માંગ સામેલ છે. લગભગ 90 ટકા બેંક કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા સંગઠનો આ હડતાળમાં સામેલ છે. પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRB) પણ તેમાં જોડાશે.