સત્ય. સાહસ. સંકલ્પ.

બૅન્ક ઓફ બરોડા સામે 1.44 લાખ કરોડનો દાવો, બીઆર શેટ્ટીનો ખોટી સહીનો આરોપ

બૅન્ક ઓફ બરોડા સામે 1.44 લાખ કરોડનો દાવો, બીઆર શેટ્ટીનો ખોટી સહીનો આરોપ

બૅન્ક ઓફ બરોડા સામે બોમ્બે હાઈકોર્ટમાં 15 અબજ ડોલર (આશરે 1.44 લાખ કરોડ રૂપિયા)ના વળતરનો દાવો દાખલ કરવામાં આવ્યો છે. આ અરજી NMC હેલ્થકેર ગ્રુપ અને UAE એક્સચેન્જના સ્થાપક બી.આર. શેટ્ટીએ દાખલ કરી છે. તેમણે બૅન્ક સહિત 25 જેટલા લોકો અને સંસ્થાઓ સામે આ કાનૂની લડાઈ શરૂ કરી છે.

શેટ્ટીનો આરોપ છે કે બૅન્કે ફંડના ગેરકાયદે ડાયવર્ઝનમાં મદદ કરી અને ખોટી સહીઓના આધારે લોન આપી. તેમણે કહ્યું છે કે 2019 સુધી બૅન્ક ઓફ બરોડા NMC હેલ્થકેર ગ્રુપની મુખ્ય બૅન્ક હતી. તે સમયગાળા દરમિયાન બૅન્ક માત્ર સામાન્ય ટ્રાન્ઝેક્શન જ નહોતી કરતી, પણ ગ્રુપની કંપનીઓ અને સ્વતંત્ર સપ્લાયર તરીકે દર્શાવાયેલી સંસ્થાઓ વચ્ચે ફંડના ગેરકાયદે ડાયવર્ઝનમાં સક્રિય સહયોગ આપતી હતી.

અરજીમાં એવો પણ દાવો કરાયો છે કે બૅન્કના સિસ્ટમમાં મની-લોન્ડ્રિંગના 100થી વધુ એલર્ટ આવ્યા હતા, જે પછી જાણી જોઈને બંધ કરી દેવાયા. બૅન્કે પૂરતી સિક્યોરિટી કે ગેરેંટી વગર ક્રેડિટ આપવાનું ચાલુ રાખ્યું અને લોન તથા વ્યવહારો સંબંધિત જોખમોની જાણકારી ઓડિટરને પણ આપી નહીં.

આ કેસનો સૌથી મોટો મુદ્દો પર્સનલ ગેરંટી અને અન્ય દસ્તાવેજો સાથે જોડાયેલો છે. શેટ્ટીના જણાવ્યા મુજબ, બૅન્કે જે દસ્તાવેજો અને પર્સનલ ગેરંટીના આધારે તેમની સામે દેવાની કાર્યવાહી શરૂ કરી છે, તે તમામ દસ્તાવેજો પરની સહીઓ ખોટી છે. તેમણે ક્યારેય તેવા દસ્તાવેજો પર સહી કરી નથી. કેટલાક એકાઉન્ટ ઇન્સ્ટ્રક્શન્સ અને ફંડ ટ્રાન્સફર તેમની પરવાનગી વગર જ કરવામાં આવ્યા હતા.

શેટ્ટીએ માંગેલી 15 અબજ ડોલરની રકમ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે: પ્રત્યક્ષ નુકસાન માટે 5 અબજ ડોલર, તેના કારણે અન્ય સ્તરે થયેલા નુકસાન માટે 5 અબજ ડોલર અને વેપારી તકો ગુમાવવા બદલ 5 અબજ ડોલર. આ રકમ પર વાર્ષિક 18 ટકા વ્યાજ પણ માંગવામાં આવ્યું છે.

હાલ આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. બૅન્કે આ આરોપો અંગે હજુ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.