આગામી મહિને એટલે કે ઓક્ટોબરમાં દેશની સરકારી અને ખાનગી બેંકો અલગ-અલગ શહેરોમાં કુલ 16 દિવસ બંધ રહેશે. જેમાં 4 રવિવાર અને 2 શનિવારની રજાઓ પણ સામેલ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ઓક્ટોબર મહિના માટે બેંક રજાઓની યાદી જાહેર કરી છે.
અલગ-અલગ રાજ્યો અને સ્થાનિક તહેવારોના આધારે બેંકોની રજાઓ નક્કી થાય છે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે. જો તમારે પણ ઓક્ટોબર મહિનામાં બેંકમાં જઈને કોઈ કામ પતાવવાનું હોય, તો બેંક ચાલુ હોય ત્યારે પતાવી લેજો.
ડિજિટલ બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે
બ્રાન્ચ બંધ રહેવા છતાં ગ્રાહકો પોતાના બેંકિંગ કામ ઓનલાઇન પૂર્ણ કરી શકશે. ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, UPI, ATM, NEFT અને RTGS જેવી સેવાઓ દરરોજ 24 કલાક ચાલુ રહે છે.
NEFT અને RTGS વચ્ચે શું તફાવત છે?
નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT):
આના દ્વારા તમે કોઈપણ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. તેમાં પૈસા બેચમાં એટલે કે દર અડધા કલાકે પ્રોસેસ થાય છે. રજાઓમાં પણ આ સેવા 24x7 ચાલુ રહે છે.
રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS):
તેનો ઉપયોગ મોટી રકમ એટલે કે ઓછામાં ઓછા ₹2 લાખ મોકલવા માટે થાય છે. તેમાં પૈસા તરત એટલે કે રિયલ ટાઇમમાં ટ્રાન્સફર થાય છે. આ સેવા પણ 24x7 ચાલુ રહે છે.