ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ક્રિકેટ સંબંધોમાં થોડી નરમાઈ આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL 2027ના મિની ઓક્શનમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના ખેલાડીઓને પણ સામેલ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલા બાદ બાંગ્લાદેશના 7 ખેલાડીઓએ 16 ડિસેમ્બરે યોજાનારી હરાજી માટે પોતાના નામ રજિસ્ટર કરાવ્યા છે.
આ યાદીમાં સ્ટાર ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહમાનનું નામ પણ છે. ગયા વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ તેમને રિલીઝ કર્યા હતા. હવે તેઓ ફરીથી IPLમાં પ્રવેશ કરવા તૈયાર છે.
હરાજીમાં ભાગ લેનારા 7 બાંગ્લાદેશી ખેલાડીઓ આ પ્રમાણે છે: મુસ્તાફિઝુર રહમાન, નાહિદ રાણા, રિશાદ હુસૈન, હસન મહમૂદ, તૌહીદ હૃદોય, તસ્કીન અહેમદ અને શોરિફુલ ઈસ્લામ.
મુસ્તાફિઝુર રહમાનની IPLમાંથી બહાર થવાની અને ફરી પાછા આવવાની ઘટના ચર્ચાસ્પદ રહી છે. ડિસેમ્બર 2025ની હરાજીમાં KKRએ તેમને ₹9.20 કરોડમાં ખરીદ્યા હતા, જેનાથી તેઓ IPL ઇતિહાસમાં સૌથી મોંઘા બાંગ્લાદેશી ખેલાડી બન્યા હતા. પરંતુ તે સમયે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામે થયેલી હિંસાના અહેવાલો પછી ભારતમાં તેમને રમવાનો વિરોધ થયો હતો. જાન્યુઆરી 2026માં BCCIએ KKRને તેમને ટીમમાંથી કાઢી નાખવાનો આદેશ આપ્યો હતો. ફ્રેન્ચાઇઝીએ બોર્ડના આદેશનું પાલન કર્યું અને તેમના સ્થાને બીજા ખેલાડીને લેવાની મંજૂરી મળી હતી.
આ વિવાદની અસર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર પણ પડી હતી. મુસ્તાફિઝુરને રિલીઝ કરવાના નિર્ણય બાદ BCCI અને BCB વચ્ચે તણાવ વધ્યો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણે T20 વર્લ્ડ કપ 2026ની પોતાની મેચો ભારતમાંથી શ્રીલંકા ખસેડવાની માંગ કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ આ માંગ ફગાવી દેતાં બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું અને તેની જગ્યાએ સ્કોટલેન્ડની ટીમને સામેલ કરવામાં આવી હતી.