સત્ય. સાહસ. સંકલ્પ.

સાઉદીમાં બાંગ્લાદેશી યુવક-યુવતીને મૃત્યુદંડ: પરિવારનો દાવો 'અમારી દીકરી જીવિત છે'

સાઉદીમાં બાંગ્લાદેશી યુવક-યુવતીને મૃત્યુદંડ: પરિવારનો દાવો 'અમારી દીકરી જીવિત છે'

સાઉદી અરબમાં મક્કાની એક મસ્જિદમાં 'અનૈતિક હરકત'ના આરોપસર બે બાંગ્લાદેશી નાગરિકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. આ બંને છે 22 વર્ષનો નઝરુલ ઇસ્લામ અને 25 વર્ષની સ્વીટી અખ્તર. જોકે, હવે આ કેસમાં નવા તથ્યો સામે આવી રહ્યા છે, જેમાં યુવતીની ઓળખ અને પરિવારના દાવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ રહી છે.

સ્વીટી અખ્તર કોણ છે?

બાંગ્લાદેશના બ્યુરો ઓફ મેનપાવર, એમ્પ્લોયર એન્ડ ટ્રેનિંગ (BMET) મુજબ, સજા પામેલી યુવતીનું નામ સ્વીટી અખ્તર છે. તે ટાંગાઇલ જિલ્લાના મિર્ઝાપુર ઉપજિલ્લાના માહેર છાવલી ગામની રહેવાસી છે. તેનો જન્મ 11 ઓગસ્ટ 2001ના રોજ થયો હતો. પાંચ બહેનોમાં સૌથી નાની સ્વીટીના પિતા ફઝલ મિયા મજૂરી કરે છે. પરિવારના જણાવ્યા અનુસાર, પાંચ વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા, પરંતુ બે વર્ષ બાદ છૂટાછેડા થઈ ગયા હતા.

5 ફેબ્રુઆરી 2023ના રોજ ભરતી એજન્સી 'એસ રાણા ટ્રેડિંગ ઇન્ટરનેશનલ' મારફતે સ્વીટીને સાઉદી જવા માટે ઇમિગ્રેશન ક્લિયરન્સ મળ્યું હતું. ત્યારબાદ તે 'અલ મજલ અલ અરબી ગ્રુપ' નામની કંપની માટે કામ કરવા લાગી. તે મક્કાની એક મસ્જિદમાં સફાઈનું કામ કરતી હતી.

છ મહિના બાદ પરિવારને જાણ થઈ કે સ્વીટી જેલમાં છે. તે જેલમાંથી દર 15-20 દિવસે ફોન કરતી હતી. સ્વીટીની મોટી બહેન બ્યુટીના જણાવ્યા મુજબ, 'એક વાર તેણે કહ્યું હતું કે એક જ રૂમમાં ઘણી છોકરીઓ રહે છે. તે લોકોએ ગેરકાયદેસર રીતે ગાડી ખરીદી હતી. તેથી માલિકે બધાની ધરપકડ કરાવી હતી. ત્યાર બાદ શું થયું તે અંગે તેણે કંઈ જણાવ્યું નહોતું.'

જોકે, બાંગ્લાદેશી અખબાર 'ધ ડેઇલી સ્ટાર'ને બાંગ્લાદેશી વાણિજ્ય દૂતાવાસ પાસેથી મળેલી કેદીઓની યાદી મુજબ, સ્વીટીની 2 ઓગસ્ટ 2023ના રોજ અટકાયત કરવામાં આવી હતી. તેની સામે વ્યભિચાર (એડલ્ટરી)નો કેસ દાખલ કરીને તેને જેદ્દાની મહિલા જેલમાં મોકલવામાં આવી હતી.

પરિવારનો દાવો: અમારી દીકરી જીવિત છે

સ્વીટીના પરિવારજનોના નિવેદનોથી આ કહાણીમાં વિરોધાભાસ પણ દેખાય છે. પરિવારનો દાવો છે કે કોઈ કાવતરું થયું છે. જે સિટીની તસવીર મીડિયામાં ચર્ચામાં છે, તે તેમની દીકરી સાથે બિલકુલ મેળ ખાતી નથી. તેમની દીકરી સ્વીટી સાઉદીની જેલમાં છે અને જીવિત છે.

પિતા ફઝલ મિયાએ કહ્યું, 'બે વર્ષ પહેલાં, સાથેની છોકરીઓ સાથે થયેલા ઝઘડા બાદ તેને પણ ખોટા આરોપમાં જેલમાં મોકલી દેવામાં આવી હતી. એક વર્ષ સુધી તેની સાથે કોઈ વાતચીત થઈ નહોતી. ત્યારબાદ તેના ફોન આવવા લાગ્યા. ગયા મંગળવારે, 13 ઓક્ટોબરે મારી તેની સાથે વાત થઈ હતી. તેણે જણાવ્યું હતું કે તે બે મહિના બાદ ઘરે પરત ફરશે. બીજા જ દિવસે તેના મૃત્યુના સમાચાર આવ્યા. જે તસવીર છપાઈ છે, તે મારી દીકરી સાથે મેળ ખાતી નથી.'

સ્વીટીની માતા જોહુરા બેગમે કહ્યું, 'નામ મળતું આવે છે, તેથી જ અમે રડી રહ્યા છીએ. મારી દીકરીએ કોઈ ગુનો કર્યો નહોતો. તે પરિણીત છે, પરંતુ તેનો ન તો પતિ છે કે ન સંતાન. જોકે સાઉદીમાં ઘણા લોકો તેને સ્વીટી નામથી ઓળખતા હતા.'

ફઝલ મિયાએ પણ જણાવ્યું, 'સ્વીટીનાં કોઈ સંતાન નહોતાં. તે મોટી બહેનની દીકરીની સંભાળ રાખતી હતી અને પૈસા મોકલતી હતી.'

સ્વીટીની ભાણીએ જણાવ્યું કે જો તેમને ફાંસીની સજા મળવાની હોત, તો 13 ઓક્ટોબરે જ્યારે તેમની સાથે વાત થઈ હતી ત્યારે તેઓ જરૂર જણાવત.

બાંગ્લાદેશી અધિકારીઓનું કહેવું છે કે જો મિર્ઝાપુરની સ્વીટીને જ ફાંસીની સજા મળી છે, તો વિદેશ મંત્રાલય મૃતદેહ વિશે જાણ કરશે. અત્યારે સ્પષ્ટપણે કોઈ માહિતી નથી.

નઝરુલ ઇસ્લામ કોણ છે?

બાંગ્લાદેશી અખબાર 'ધ ડેઇલી સ્ટાર' અનુસાર, નઝરુલ બ્રાહ્મણબાડિયા જિલ્લાના બીરામપુર ગામના રહેવાસી હતા. તેમના પરિવારમાં પિતા અબ્દુલ બસીર, માતા રહીમા ઉપરાંત એક નાનો ભાઈ અને બે બહેનો છે.

નઝરુલે 2020માં મદરેસામાંથી ધોરણ 10 પાસ કર્યું અને ત્યારબાદ બ્રાહ્મણબાડિયાથી કોલેજનો અભ્યાસ શરૂ કર્યો. તેમના પિતા અબ્દુલ લગભગ 24 વર્ષ સુધી સાઉદીમાં કામ કરી ચૂક્યા હતા, પરંતુ 2020માં બાંગ્લાદેશ પરત ફર્યા અને ખેતરોમાં મજૂરી કરવા લાગ્યા.

પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી, તેથી અબ્દુલે નઝરુલને સાઉદી મોકલવા માટે લગભગ 7 લાખ બાંગ્લાદેશી ટાકા ઉધાર લીધા. 10 નવેમ્બર 2022ના રોજ એજન્ટ મારફતે નઝરુલ સાઉદી પહોંચ્યા અને તે જ 'અલ મજલ' કંપનીમાં કામ કરવા લાગ્યા, જ્યાં બાદમાં સ્વીટી પણ પહોંચી હતી.

આ કેસમાં સાઉદી અરબે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે કઈ 'અનૈતિક હરકત' માટે આ સજા આપવામાં આવી છે. બંને પરિવારો પોતાના સગાંને નિર્દોષ માની રહ્યા છે અને સત્ય બહાર આવે તેવી આશા રાખી રહ્યા છે.