બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોવાનો એક ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો છે. છેલ્લા 20 મહિનામાં દેશભરની નદીઓમાંથી પોલીસે 920 અજાણ્યા મૃતદેહો કબજે કર્યા છે. આ સાથે હત્યા, અપહરણ, બળાત્કાર અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં પણ વધારો નોંધાયો છે.
ગુના નિષ્ણાતો અને માનવાધિકાર કાર્યકરોએ ચેતવણી આપી છે કે હત્યા પછી પુરાવા મિટાવવા માટે વ્યવસાયિક ગુનેગારો નદીઓનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે પોલીસ આવા કેસો ઉકેલવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે.
સ્થાનિક અખબારના અહેવાલ મુજબ, નિષ્ણાતો માને છે કે હત્યારાઓ પકડાઈ જવાથી બચવા માટે મૃતદેહ સાથે ભારે વજન બાંધીને નદીમાં ફેંકી દે છે. આનાથી તેમને ભાગી જવાનો પૂરતો સમય મળી જાય છે. પાણીના તેજ પ્રવાહમાં લાશ તણાઈને ઘણી દૂર ચાલી જતી હોવાથી તપાસ અધિકારીઓ માટે ઘટનાસ્થળ કે મૂળ ગુનાની જગ્યા શોધવી અઘરી બની જાય છે.
બાંગ્લાદેશ રિવર પોલીસના આંકડા પ્રમાણે, 2025 દરમિયાન દેશની વિવિધ નદીઓમાંથી 541 મૃતદેહો મળ્યા હતા. ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ વચ્ચે વધુ 379 મૃતદેહો મળી આવ્યા છે. આ આંકડા ફક્ત નદીઓના છે, જ્યારે વાસ્તવિકતા એનાથી પણ ગંભીર છે કારણ કે રસ્તાઓ અને રેલવે ટ્રેક પાસેથી પણ વારંવાર અજાણી લાશો મળી રહી છે.
માનવાધિકાર સંગઠન 'માનબાધિકાર શોંસ્કૃતિ ફાઉન્ડેશન' (MSF)ના તાજેતરના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર 2026ના પ્રથમ 20 દિવસમાં જ ઢાકા સહિત દેશના વિવિધ વિસ્તારોમાં નદી કિનારે, રસ્તાઓ, ખેતરો અને રેલવે લાઈનો પાસેથી ઓછામાં ઓછા 42 અજાણ્યા મૃતદેહો મળ્યા છે. આ સંસ્થાના આંકડા મુજબ આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન કુલ 465 લાવારિસ મૃતદેહો મળી આવ્યા હતા. 14 સપ્ટેમ્બરના રોજ પણ બંશી નદીમાંથી એક અજાણી વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
કોઈપણ મૃતદેહ મળ્યા બાદ પોલીસ સામાન્ય રીતે અકુદરતી મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરે છે. તાજેતરના એક કિસ્સામાં પીબીઆઈની ટીમે ફિંગરપ્રિન્ટ દ્વારા મૃતકની ઓળખ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા ન મળતાં ડીએનએ સેમ્પલ સાચવી રાખીને મૃતદેહને અજાણ્યા વ્યક્તિ તરીકે દફનાવી દેવામાં આવ્યો.