સત્ય. સાહસ. સંકલ્પ.

બાંગ્લાદેશમાં ઓરી રોગચાળો: 1284થી વધુ મોત, સ્વાસ્થ્ય મંત્રી કહે 'મને ફાંસી આપો'

બાંગ્લાદેશમાં ઓરી રોગચાળો: 1284થી વધુ મોત, સ્વાસ્થ્ય મંત્રી કહે 'મને ફાંસી આપો'

બાંગ્લાદેશમાં ઓરીના ગંભીર રોગચાળાએ 1284થી વધુ લોકોના જીવ લીધા છે. આ સ્થિતિ માટે નૈતિક જવાબદારી સ્વીકારતા દેશના સ્વાસ્થ્ય મંત્રી સરદાર મોહમ્મદ સખાવત હુસૈને મીડિયા સાથે વાત કરતાં કહ્યું, "આ મારી નિષ્ફળતા છે, મને ફાંસી પર લટકાવી દો." તેમણે ઉમેર્યું કે તેમણે પોતાના સ્તરે પરિસ્થિતિને કાબૂમાં લેવા પૂરતા પ્રયાસો કર્યા હતા.

આ રોગચાળાએ રાજકીય વિવાદને પણ જન્મ આપ્યો છે. વડાપ્રધાન તારિક રહેમાનની સરકારે આ સ્થિતિ માટે પૂર્વ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને જવાબદાર ઠેરવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, પહેલાં શરૂ કરાયેલું રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અટકી પડ્યું હતું અને ઈમરજન્સી રસીનો સ્ટોક ખતમ થઈ ગયો હતો. આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોનો વિશેષ આયોગ રચવામાં આવ્યો છે.

સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલયના આંકડા પ્રમાણે, દેશભરમાં ઓરીના 2.4 લાખથી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમાં મોટાભાગના છ મહિનાથી નાના બાળકો છે, જેમને સમયસર રસી મળી નહોતી. હાલમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને યુનિસેફના સહયોગથી જર્મની, જાપાન, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાંથી રસી મંગાવીને ઈમરજન્સી રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે, છતાં મોતનો સિલસિલો ચાલુ છે.