બાંગ્લાદેશમાં કાપડ મજૂરોના વેતન વધારાની માંગને લઈને થયેલા વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. ઢાકા સહિતના વિવિધ વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ વાહનોમાં તોડફોડ કરી છે અને રસ્તાઓ બ્લોક કર્યા છે. આ ઘટનાક્રમ પર ભારતીય વિદેશ મંત્રાલય સતત નજર રાખી રહ્યું છે.
મંગળવારે નિયમિત પ્રેસ બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, બાંગ્લાદેશની સ્થિતિ પર ભારત ધ્યાન આપી રહ્યું છે. તેમણે કહ્યું કે, ત્યાં કાપડ ઉદ્યોગના શ્રમિકો વેતન વધારવાની માંગ સાથે હિંસક પ્રદર્શનો કરી રહ્યા છે, વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે અને મુખ્ય રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે વધારાના અર્ધસૈનિક દળો તૈનાત કરવામાં આવ્યા છે.
પીટીઆઈના અહેવાલ મુજબ, રાજધાની ઢાકાના મીરપુર, આશુલિયા, ગાઝીપુર અને નારાયણગંજ વિસ્તારોમાં પ્રદર્શનકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવતી ટીમોની ઝડપ થઈ હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ વાનમાં આગ લગાવી દીધી હતી, જ્યારે પોલીસે તેમને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડ્યા, વોટર કેનનનો ઉપયોગ કર્યો અને લાઠીચાર્જ કર્યો હતો.
બાંગ્લાદેશ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશન (બીજીએમઈએ) અનુસાર, વિરોધ પ્રદર્શનોને કારણે ઢાકા, ગાઝીપુર અને મધ્ય મયમનસિંઘમાં નોંધાયેલી લગભગ 4,000 કાપડ કારખાનાઓમાંથી 670 કારખાના બંધ કરવા પડ્યા છે. મજૂરોની માંગ છે કે, ન્યૂનતમ માસિક વેતન હાલના 12,500 ટકા (બાંગ્લાદેશી ટકા)થી વધારીને 30,000 ટકા કરવામાં આવે. બીજીએમઈએના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશના કાપડ ઉદ્યોગમાં 40 લાખથી વધુ શ્રમિકો કામ કરે છે અને આ દેશની નિકાસ આવકનો મુખ્ય સ્ત્રોત છે. ચીન પછી બાંગ્લાદેશ વિશ્વનો બીજો સૌથી મોટો તૈયાર વસ્ત્રોનો નિકાસકાર દેશ છે.
બાંગ્લાદેશના ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદે આરોપ લગાવ્યો છે કે, હાંકી કઢાયેલા વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગ પાર્ટી સાથે જોડાયેલા કેટલાક કાપડ કારખાનાના માલિકો પણ અશાંતિ ભડકાવવામાં ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે પોતાની ઓફિસમાં અખબારી પરિષદમાં કહ્યું કે, 'અવામી લીગના રાજકારણ સાથે જોડાયેલા કારખાનાના માલિકો પણ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભૂતપૂર્વ સાંસદો પણ તેમાં સામેલ છે.'
ગાઝીપુરના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ નુરુલ કરીમ ભુઇયાંએ જણાવ્યું કે, પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ઔદ્યોગિક વિસ્તારમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)ની 10 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.