ઢાકા – બાંગ્લાદેશે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને પ્રત્યાર્પણ કરવાની માગણી ફરી કરી છે. 5 ઓગસ્ટ, 2024 ના રોજ સત્તા ગુમાવ્યા બાદ હસીના ભારતમાં આશ્રય લઈ રહ્યાં છે. બાંગ્લાદેશના વડાપ્રધાનના માહિતી સલાહકાર જાહેદ ઉર રહેમાને જણાવ્યું છે કે હસીનાને મૃત્યુદંડની સજા થઈ ચૂકી છે અને તેમની અપીલ કરવાની સમયમર્યાદા પણ પૂરી થઈ ગઈ છે. બાંગ્લાદેશ ઈચ્છે છે કે હસીનાને પાછા લાવીને ફાંસી આપવામાં આવે.
સચિવાલયમાં 8 સપ્ટેમ્બરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રહેમાને કહ્યું, 'શેખ હસીના, તમારે પાછા આવવાની જરૂર નથી. અમે તમારી ધરપકડ કરવા માંગીએ છીએ. તમે ભાગેડુ છો, જેને મૃત્યુદંડની સજા થઈ છે.' તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ માત્ર દબાણ લાવવાનું નિવેદન નથી, પરંતુ વડાપ્રધાનની ભારત મુલાકાત માટેની શરત છે.
વિદ્યાર્થી આંદોલનને કારણે 5 ઓગસ્ટ, 2024ના રોજ શેખ હસીનાએ સત્તા ગુમાવી હતી. દેશ છોડ્યા બાદ ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલે તેમની ગેરહાજરીમાં આંદોલન દરમિયાન માનવતા વિરોધી અપરાધો માટે મૃત્યુદંડની સજા સંભળાવી છે. ત્યારથી તેઓ ભારતમાં આશ્રય લઈ રહ્યાં છે.
શેખ હસીનાના ભારતીય મીડિયામાં આપેલા નિવેદનો સામે ઢાકાએ ઔપચારિક વિરોધ પત્ર મોકલ્યો છે. રહેમાને કહ્યું કે આ નિવેદનોથી બાંગ્લાદેશની જનતામાં રોષ છે, અને સંબંધો સુધારવા માટે ભારતે હસીનાને શાંત રાખવા જોઈએ. તેમણે ભારતના નવા હાઈકમિશનર દિનેશ ત્રિવેદીની નિમણૂકનું સ્વાગત કર્યું છે, પરંતુ કહ્યું કે પરસ્પર વિશ્વાસ વિના વાતચીત આગળ વધી શકે નહીં.