બાંગ્લાદેશે આગામી એશિયન ગેમ્સ માટે પોતાની ક્રિકેટ ટીમ જાહેર કરી છે. લિટન દાસને કેપ્ટન અને તૌહીદ હૃદોયને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
ટીમમાં નઝમુલ હુસૈન શાંતો અને હસન મહમૂદની વાપસી થઈ છે. આ સાથે નુરુલ હસન અને અબ્દુલ ગફ્ફાર સકલેનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. નાહિદ રાણા હાલમાં સાઇડ સ્ટ્રેનથી પરેશાન છે, તેથી તેનું નામ ટીમમાં સામેલ નથી.
બાંગ્લાદેશ પોતાની પ્રથમ મેચ 28 સપ્ટેમ્બરે ગ્રુપ-Bની વિજેતા ટીમ સામે ક્વાર્ટર ફાઇનલમાં રમશે. એશિયન ગેમ્સ ક્રિકેટ સ્પર્ધાની તમામ મેચ કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં રમાશે.
શાંતોએ ગયા વર્ષે મે મહિનામાં UAE સામે છેલ્લી T20 મેચ રમી હતી. તે સતત 19 ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી શક્યો ન હતો, જેના કારણે તેને કપ્તાનપદેથી હટાવી દેવામાં આવ્યો હતો. જોકે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં બાંગ્લાદેશને ઐતિહાસિક પ્રથમ ટેસ્ટ જીત અપાવવામાં તેની મહત્વની ભૂમિકા રહી હતી. ગયા વર્ષે BPLમાં પણ તેણે 355 રન બનાવ્યા હતા.
હસન મહમૂદે ગયા વર્ષે પાકિસ્તાન પ્રવાસમાં છેલ્લી T20 મેચ રમી હતી, જેમાં તેણે ત્રણ મેચમાં ત્રણ વિકેટ લીધી હતી. તેને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશની 15 સભ્યોની ટીમમાં લિટન દાસ (કેપ્ટન), તન્ઝીદ હસન, પરવેઝ હુસૈન ઇમોન, સૈફ હસન, નઝમુલ હુસૈન શાંતો, તૌહીદ હૃદય, મોસાદેક હુસૈન, યાસિર અલી, રિશાદ હુસૈન, મહેદી હસન, નસુમ અહેમદ, મોહમ્મદ સૈફુદ્દીન, શોરીફુલ ઇસ્લામ, મુસ્તાફિઝુર રહેમાન અને હસન મહમૂદ છે.
ઉલ્લેખનીય છે કે, 2023માં યોજાયેલી એશિયન ગેમ્સમાં બાંગ્લાદેશે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે ગોલ્ડ અને અફઘાનિસ્તાને સિલ્વર મેડલ મેળવ્યો હતો.