બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં શનિવારે નેશનલ સિટિઝન પાર્ટી (NCP) દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હજારો લોકો જોડાયા હતા અને વડાપ્રધાન તારિક રહમાનની સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. દેશમાં વધી રહેલી મોંઘવારી, વીજળીની અછત અને ગેસના ભાવમાં થયેલા વધારા સામે પ્રદર્શનકારીઓએ ‘દિલ્હી નહીં, ઢાકા’ જેવા નારા લગાવ્યા હતા. સાથે જ ભારત વિરોધી સૂત્રોચ્ચાર પણ થયા હતા.
રેલીને સંબોધતા NCP નેતા નાહિદ ઇસ્લામે ભારત પર બાંગ્લાદેશ વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો કે હાલની સરકાર ભારતના ષડયંત્રો સામે દેશને બચાવી શકશે નહીં. તેમણે સરહદ પર થતી હત્યાઓ, આસામ અને પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો સાથે થતા ભેદભાવ અને દિલ્હીમાં મસ્જિદો તોડવાના કથિત પ્લાન જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
આ ઉપરાંત ગંગા જળ વહેંચણી કરારનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો. નાહિદ ઇસ્લામે ચેતવણી આપી હતી કે જો ભારત સાથે આ કરાર પર ન્યાયી રીતે ફરી વાટાઘાટો નહીં થાય તો બાંગ્લાદેશની જનતા ફરી રસ્તા પર ઉતરશે. ઉલ્લેખનીય છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગા જળ વહેંચણી અંગે 1996માં 30 વર્ષનો ઐતિહાસિક કરાર થયો હતો, જે ડિસેમ્બર 2026માં પૂર્ણ થઈ રહ્યો છે. આ કરાર હેઠળ દર વર્ષે જાન્યુઆરીથી મે મહિના દરમિયાન પશ્ચિમ બંગાળના ફરક્કા બેરેજ પરથી પાણીની વહેંચણી કરવામાં આવે છે. બાંગ્લાદેશમાં પદ્મા તરીકે ઓળખાતી ગંગા નદી પર લાખો લોકોની આજીવિકા નિર્ભર હોવાથી આ કરાર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ધ્યાનપાત્ર બાબત એ છે કે આ રેલીમાં NCP સાંસદ હસનત અબ્દુલ્લા પણ હાજર રહ્યા હતા, જેમણે ગત સમયમાં પૂર્વોત્તર ભારતના સાત રાજ્યોને જોડતા સિલીગુડી કોરિડોર અંગે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. શેખ હસીનાની સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં ભારત વિરોધી સૂર તેજ બન્યો છે, જે આ રેલીમાં ફરી એકવાર ઉજાગર થયો છે.
બાંગ્લાદેશ હાલ ગંભીર આર્થિક અને ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. દેશ પોતાની જરૂરિયાતનું 90 ટકાથી વધુ ક્રૂડ ઓઇલ અને આશરે 30 ટકા ગેસ આયાત કરે છે, જેના કારણે વીજળી કાપની સીધી અસર કાપડ ઉદ્યોગ પર પડી છે. વિશ્વ બેંકના આંકડા મુજબ 2026માં મોંઘવારી દર આશરે 8.5 ટકા રહ્યો છે અને ગત વર્ષની સરખામણીમાં લગભગ 21 લાખ લોકો વધુ ગરીબીમાં ધકેલાયા છે. રેલીમાં નેતાઓએ કોલકાતાની સરખામણીમાં બાંગ્લાદેશમાં એલપીજી સિલિન્ડર બમણા ભાવે મળતો હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
આ ઉપરાંત NCPએ ગૃહમંત્રી સલાહુદ્દીન અહેમદ અને ઊર્જા મંત્રી ઈકબાલ હસન મહમૂદ ટુકો પોતાની ફરજમાં નિષ્ફળ રહ્યા હોવાનો આરોપ મૂકીને તેમના તાત્કાલિક રાજીનામાની માગ કરી છે. નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મંત્રીઓ રાજીનામું નહીં આપે તો દેશવ્યાપી આંદોલન છેડવામાં આવશે અને વડાપ્રધાન તારિક રહમાનના સત્તાવાર આવાસનો ઘેરાવ કરવામાં આવશે.