સત્ય. સાહસ. સંકલ્પ.

બાંગ્લાદેશ 346 રનમાં ઓલઆઉટ, સલીમની 4 વિકેટ; શાદમાન-તન્ઝીદ-લિટનની ફિફ્ટી

બાંગ્લાદેશ 346 રનમાં ઓલઆઉટ, સલીમની 4 વિકેટ; શાદમાન-તન્ઝીદ-લિટનની ફિફ્ટી

અફઘાનિસ્તાન સામે અબુધાબીમાં રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગ્સ 346 રનમાં પૂરી થઈ. સવારે 8 વિકેટે 317 રનથી આગળ રમતા બાંગ્લાદેશે 29 રન ઉમેર્યા બાદ બાકીની બે વિકેટ ગુમાવી દીધી.

અફઘાનિસ્તાન માટે મોહમ્મદ સલીમે 4 વિકેટ લીધી. યામિન અહમદઝઈએ 3 અને ઇસ્મત આલમે 2 વિકેટ ઝડપી. સલીમે તૈજુલ ઈસ્લામને આઉટ કરીને પોતાની ચોથી વિકેટ પૂરી કરી અને હસન મહમૂદને બોલ્ડ કર્યો. યામિન અહમદઝઈએ ઇબાદત હુસૈનને સ્લિપમાં કેચ આઉટ કરાવીને બાંગ્લાદેશની ઇનિંગ્સનો અંત આણ્યો. ઇબાદત ખાતું ખોલાવી શક્યો નહીં.

બાંગ્લાદેશ તરફથી તન્ઝીદ હસને સૌથી વધુ 83 રન બનાવ્યા. તેણે 71 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. તન્ઝીદે શદમાન ઇસ્લામ સાથે પ્રથમ વિકેટ માટે 124 રનની ભાગીદારી કરી. શદમાને 67 રન બનાવ્યા. કેપ્ટન નજમુલ હુસૈન શાંતોએ 29 અને મોમિનુલ હકે 39 રનનું યોગદાન આપ્યું.

લિટન દાસે 89 બોલમાં 53 રન બનાવ્યા. મેહદી હસન મિરાજે 24 રન બનાવ્યા. નઇમ હસન 67 બોલમાં 35 રન બનાવીને અણનમ રહ્યો, જેણે 4 ચોગ્ગા ફટકાર્યા. નઇમને મૂળ ટીમમાં સ્થાન મળ્યું નહોતું. તે પ્રેક્ટિસ મેચ માટે રિઝર્વ ખેલાડી તરીકે UAE પહોંચ્યો હતો અને બાદમાં ટીમમાં સામેલ કરાયો.