સત્ય. સાહસ. સંકલ્પ.

બાંદ્રા: માછીમારોના ગામથી બોલિવૂડના સિતારાઓના ઘર સુધીની 300 વર્ષની સફર

બાંદ્રા: માછીમારોના ગામથી બોલિવૂડના સિતારાઓના ઘર સુધીની 300 વર્ષની સફર

મુંબઈનું નામ પડતાં જ દરિયાકિનારો, સપનાં અને બોલિવૂડના સિતારાઓ યાદ આવે. આ ત્રણેય જ્યાં એકસાથે મળે તે છે બાંદ્રા. બાંદ્રા માત્ર એક વિસ્તાર નથી, તે મુંબઈના બદલાતા સ્વરૂપનું જીવંત ઉદાહરણ છે. દરિયાકિનારાના રસ્તા, જૂનાં ચર્ચ, લાકડાનાં મકાન અને આધુનિક કેફેનું મિશ્રણ તેને ‘ઉપનગરોની રાણી’ બનાવે છે. પણ શું તમે જાણો છો કે આજે જ્યાં બોલિવૂડ સ્ટાર્સ રહે છે, તે બાંદ્રા ક્યારેક માછીમારો અને ખેડૂતોનું નાનું ગામ હતું?

ચાલો, બાંદ્રાના 300 વર્ષ જૂના ઇતિહાસથી લઈને આજના આધુનિક સ્વરૂપ સુધીની સફર કરીએ.

બાંદ્રાને નામ કેવી રીતે મળ્યું?

બાંદ્રા શબ્દના ઉદ્ગમ વિશે બે મુખ્ય માન્યતાઓ છે. પ્રથમ, ફારસી-ઉર્દૂ શબ્દ ‘બંદર’ (બંદરગાહ) પરથી. બીજી, સ્થાનિક લોકવાયકા મુજબ જૂના જમાનામાં પાલી હિલ અને માઉન્ટ મેરી હિલની આસપાસના જંગલોમાં વાંદરાઓની વધુ વસ્તી હતી, તેથી મરાઠીમાં તેને ‘વાંદરે’ કહેવાતું. 16મી સદીમાં પોર્ટુગીઝોએ આ વિસ્તારને ‘બાંદોરા’ કે ‘બાંદેરા’ નામ આપ્યું. 19મી સદીના અંતમાં બ્રિટિશ શાસન દરમિયાન ‘બોમ્બે, બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે’ (BB&CI) એ તેમના સ્ટેશનના બોર્ડ પર સત્તાવાર રીતે ‘Bandra’ લખ્યું અને આ નામ કાયમી બની ગયું.

માછીમારોના ગામથી પોર્ટુગીઝ અને બ્રિટિશ શાસન સુધી

મૂળભૂત રીતે બાંદ્રા 24થી 25 નાના માછીમારોના ગામોનો સમૂહ હતો, જ્યાં મુખ્યત્વે કોળી સમુદાય વસતો હતો. 1534માં આ વિસ્તાર પોર્ટુગીઝોના તાબા હેઠળ આવ્યો. 1575માં બંધાયેલું ‘સેન્ટ એન્ડ્રુઝ ચર્ચ’ તાજમહેલના નિર્માણ પહેલાંનું છે. 1580માં ફાધર કોન્સેસાઓ રોડ્રિગ્સે આશરે 2,000થી વધુ માછીમારોને ખ્રિસ્તી ધર્મ અપનાવવામાં મદદ કરી. 1661માં ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ બીજા સાથે પોર્ટુગીઝ રાજકુમારી કેથરિનના લગ્ન થતાં મુંબઈ બ્રિટિશરોને દહેજમાં મળ્યું, પરંતુ બાંદ્રા એ સંધિનો ભાગ નહોતું અને પોર્ટુગીઝો પાસે જ રહ્યું. 1640માં પોર્ટુગીઝોએ બાંદ્રા ફોર્ટ (કાસ્ટેલા દે અગ્વાડા) અને એક નાનું ચર્ચ બનાવ્યું, જે આજે ‘માઉન્ટ મેરી ચર્ચ’ તરીકે ઓળખાય છે. 1774માં બાંદ્રા બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બન્યું. 1845માં ‘માહિમ કોઝવે’ બ્રિજ બનતાં તે મુંબઈ સાથે રોડ માર્ગે જોડાયું અને 1876માં તેને મ્યુનિસિપાલિટીનો દરજ્જો મળ્યો.

રાનવાર ગામ: ખેતી, ચાંચિયાઓનો ભય અને પ્લેગ

બાંદ્રાના જૂના ગામોમાંનું એક ‘રાનવાર’ આજે આધુનિક બ્રુઅરીઝ અને કાફે માટે જાણીતું છે, પણ 18મી સદીમાં અહીં કુણબી ખેડૂતો ડાંગરની ખેતી કરતા હતા. અરબી ચાંચિયાઓનો ભય એટલો હતો કે લોકો સોનું અને કિંમતી સામાન કૂવાઓમાં તિજોરી બનાવીને છુપાવતા. માર્ચ 1700માં ચાંચિયાઓનો મોટો હુમલો સ્થાનિકોએ નિષ્ફળ બનાવ્યો, જેમાં આશરે 600 હુમલાખોરો માર્યા ગયા. બોમ્બે માટે ચોખા અને શાકભાજી બાંદ્રા બંદરથી જ જતા હતા, પરંતુ 1867માં રેલવેના આગમન પછી બંદરનું મહત્ત્વ ઘટ્યું. 1896માં ફેલાયેલા પ્લેગે રાનવારના ગીચ ઘરોને હોમાવી દીધા. મહામારીથી બચવા લોકોએ અનેક જગ્યાએ ‘ક્રોસ’ સ્થાપિત કર્યા, જે આજે પણ જોવા મળે છે.

બાંદ્રા વેસ્ટ: બોલિવૂડના સિતારાઓનું કાયમી સરનામું

બાંદ્રાનો પશ્ચિમ ભાગ ગ્લેમર અને પોશ લાઇફસ્ટાઇલનું કેન્દ્ર છે. 1954માં દિગ્દર્શક મહેબૂબ ખાને અહીં ‘મહેબૂબ સ્ટુડિયો’ની સ્થાપના કરી, ત્યારથી બાંદ્રા બોલિવૂડનું કેન્દ્ર બનવા લાગ્યું. બેન્ડસ્ટેન્ડ, કાર્ટર રોડ, પાલી હિલ અને લિંકિંગ રોડ આજે મોંઘા રહેઠાણો અને હાઈ-એન્ડ શોપિંગ માટે પ્રખ્યાત છે. રસપ્રદ વાત એ છે કે મુંબઈમાં ઓટોરિક્ષા માત્ર બાંદ્રા સુધી જ ચાલે છે; દક્ષિણ મુંબઈ તરફ જતા રિક્ષાને પ્રવેશ નથી. ટ્રાફિકના ભારણને નિયંત્રિત કરવા આ નિયમ દાયકાઓથી લાગુ છે.

બાંદ્રામાં વસતા પ્રખ્યાત સેલિબ્રિટીઝ

શાહરૂખ ખાનનો બેન્ડસ્ટેન્ડ પર આવેલો ભવ્ય બંગલો ‘મન્નત’ મુંબઈનું મુખ્ય પર્યટન આકર્ષણ છે. તેમની નજીક ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ્સ’માં સલમાન ખાન રહે છે. આમિર ખાન પણ બાંદ્રાના જ રહેવાસી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પાલી હિલના ‘વાસ્તુ’ એપાર્ટમેન્ટમાં રહે છે, જ્યારે સૈફ અલી ખાન અને કરીના કપૂર ‘ફોર્ચ્યુન હાઇટ્સ’માં તેમના પરિવાર સાથે રહે છે.