સત્ય. સાહસ. સંકલ્પ.

બોલ ટેમ્પરિંગ: બેનક્રોફ્ટનો દાવો, આખી ઓસ્ટ્રેલિયન ટીમને હતી જાણ, સ્મિથે કર્યો હતો ઇનકાર

બોલ ટેમ્પરિંગ: બેનક્રોફ્ટનો દાવો, આખી ઓસ્ટ્રેલિયન ટીમને હતી જાણ, સ્મિથે કર્યો હતો ઇનકાર

કેપટાઉનમાં 2018માં રમાયેલી ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓપનર કેમરોન બેનક્રોફ્ટ સેન્ડપેપરથી બોલ પર ઘર્ષણ કરતો કેમેરામાં કળવામાં આવ્યો હતો. આ ઘટનાને આઠ વર્ષ વીતી ગયા બાદ બેનક્રોફ્ટે નવો ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે બોલ સાથે છેડછાડની જાણ માત્ર તેમને, કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને જ નહીં, પરંતુ સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમને હતી.

ઇએસપીએનના અહેવાલ મુજબ, બેનક્રોફ્ટે જણાવ્યું કે તેમણે મેદાન પર લગભગ દરેક ઓવરમાં સેન્ડપેપરથી બોલ ઘસ્યો હતો. જ્યારે બોલ રિવર્સ સ્વિંગ થવા લાગ્યો ત્યારે ટીમના ખેલાડીઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે સેન્ડપેપરથી બોલ ઘસવાનો વિચાર વોર્નરનો હતો, જ્યારે કેપ્ટન સ્ટીવ સ્મિથે આવું કરવાની ના પાડી હતી.

બેનક્રોફ્ટે કહ્યું કે કમિન્સની પ્રેસ કોન્ફરન્સ બાદ તેમને ગુસ્સો આવ્યો હતો અને એવું લાગ્યું હતું કે તેમની સાથે દગો થયો છે અને તેઓ એકલા પડી ગયા છે.

બોલ ટેમ્પરિંગની શરૂઆત કેવી રીતે થઈ? બેનક્રોફ્ટના જણાવ્યા મુજબ, ઓસ્ટ્રેલિયન ટીમમાં બોલની સ્થિતિ બદલવા અને રિવર્સ સ્વિંગ મેળવવા અંગે પહેલેથી જ ચર્ચા થતી હતી. 2017-18 એશિઝ શ્રેણીમાં પોતાની પ્રથમ ટેસ્ટ રમતી વખતે તેમને અને અન્ય ખેલાડીઓને વિકેટ પડ્યા બાદ બોલની સીમ એટલે કે ક્વાર્ટર સીમને દબાવવા માટે કહેવામાં આવ્યું હતું. તેનાથી બોલની સપાટી ખરબચડી બની શકતી હતી અને રિવર્સ સ્વિંગમાં મદદ મળી શકતી હતી.

બેનક્રોફ્ટે કહ્યું કે ડેવિડ વોર્નર લાંબા સમયથી ટીમમાં બોલની સંભાળ રાખવાની જવાબદારી સંભાળી રહ્યો હતો. તેને રિવર્સ સ્વિંગ અને બોલની સ્થિતિ જાળવી રાખવાની સારી સમજ હતી. બેનક્રોફ્ટે શરૂઆતમાં આ રીતોને ટીમની સામાન્ય પ્રેક્ટિસ માની હતી.

ડરબન ટેસ્ટમાં સેન્ડપેપરનો ઉપયોગ થયો નહોતો, પરંતુ પોર્ટ એલિઝાબેથમાં યોજાયેલી બીજી ટેસ્ટમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ્સમાં 243 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. બીજા દિવસે ટી-બ્રેક સુધી દક્ષિણ આફ્રિકાએ 2 વિકેટે 153 રન બનાવી લીધા હતા. બોલિંગથી ઓસ્ટ્રેલિયાના બોલરોને વધુ મદદ મળી રહી નહોતી અને ટીમ દબાણમાં હતી. ટી-બ્રેકની 20 મિનિટ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ અને કોચ મેચની સ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા હતા. બેનક્રોફ્ટ અનુસાર, આ જ વાતચીતમાં બોલને રિવર્સ સ્વિંગ કરાવવાનો મુદ્દો ઉઠ્યો. સામાન્ય રીતે બોલને ચમકાવવાથી અને લાળનો ઉપયોગ કરવાથી ફાયદો થઈ રહ્યો નહોતો.

વોર્નરે સેન્ડપેપરનો ઉપયોગ કરવાની સલાહ આપી. બેનક્રોફ્ટના જણાવ્યા મુજબ, આ જ ચર્ચા દરમિયાન ડેવિડ વોર્નરે બોલની એક બાજુ પર સેન્ડપેપર ઘસીને તેને ખરબચડી બનાવવાની સલાહ આપી હતી. વોર્નરે કહ્યું હતું કે તે પોતે આ કામ કરી શકે તેમ નહોતો, કારણ કે શ્રેણીમાં ટીવી કેમેરાની નજર સતત તેના પર હતી.

બેનક્રોફ્ટનો દાવો છે કે ડ્રેસિંગ રૂમમાં આ પ્રસ્તાવ પર અન્ય ખેલાડીઓએ પણ પોતાના મત વ્યક્ત કર્યા હતા અને કેટલાકે સહમતિ દર્શાવી હતી. બોલિંગ કોચ ડેવિડ સેકર અને મુખ્ય કોચ ડેરેન લેહમેન પણ ત્યાં હાજર હતા. કેપ્ટન સ્ટીવ સ્મિથ પણ વાતચીતમાં જોડાયો હતો. બેનક્રોફ્ટના જણાવ્યા મુજબ, સ્મિથે સ્પષ્ટ કરી દીધું હતું કે તે આ કામનો હિસ્સો બનવા માંગતો નથી અને ત્યાર બાદ વાતચીતથી અલગ થઈ ગયા હતા.

બેનક્રોફ્ટે સ્વીકાર્યું કે તેમને ખબર હતી કે સેન્ડપેપરનો ઉપયોગ કરવો ખોટું અને છેતરપિંડી છે. તેમ છતાં તેમણે આ જવાબદારી સ્વીકારી લીધી. તે સમયે તેઓ પોતાની સાતમી ટેસ્ટ રમી રહ્યા હતા અને ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માંગતા હતા. બેનક્રોફ્ટે કહ્યું, "મને પૂછવામાં આવ્યું હતું કે શું હું આ કામ કરી શકું છું. હું અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો અને દબાણમાં હતો. મને ખબર હતી કે આ ખોટું છે."

કેમેરાની નજરથી બચવાનો રસ્તો પણ નક્કી હતો. બેનક્રોફ્ટના જણાવ્યા મુજબ, ટીમને ખબર હતી કે સેશન શરૂ થયા પછી મેદાન પર પરત ફરતી વખતે કેમેરા તરત જ ખેલાડીઓ પર આવતા નથી. ટીવી પ્રસારણમાં પહેલાં દેશનો લોગો બતાવવામાં આવતો હતો અને લગભગ અડધો રસ્તો પસાર થયા પછી કેમેરા ટીમ પર આવતા હતા. વોર્નરે આ જ સમયને બોલ સાથે ચેડાં કરવાની તક ગણાવી હતી. બેનક્રોફ્ટ સેન્ડપેપર લઈને મેદાન પર ઉતર્યા અને બોલ મળતાં જ તેનો ઉપયોગ કર્યો. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં તેમને સમજાતું નહોતું કે સેન્ડપેપરની કેટલી અસર થઈ રહી છે. તેથી તેઓ સતત ઝડપી બોલરોને પૂછતા રહ્યા હતા.