આ વર્ષે ચોમાસામાં અપૂરતા વરસાદને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જળસંકટની સ્થિતિ સર્જાઈ છે. તેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ મોટું જળસંકટ તોળાઈ રહ્યું છે. જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે, ત્યારે પાણીની અછતને કારણે ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
વરસાદના અભાવે ખેતી થઈ શકી નથી અને પાક લેવાયો નથી. ઘાસચારાની પણ અછત છે. હવે પાણીનું સંકટ પણ ઊભું થતાં પશુપાલકોને પશુધનને પીવડાવવા માટે પણ પાણી મળી રહ્યું નથી.
અંબાજી તાલુકાની વાત કરીએ તો અહીં મોટા પ્રમાણમાં આદિવાસી પરિવારો રહે છે, જેઓ મોટાભાગે ખેતી પર નિર્ભર છે. અંબાજી, દાંતા અને હડાદ વિસ્તારમાં વસતા મોટાભાગના આદિવાસીઓ ખેતીવાડી કરીને ગુજરાન ચલાવે છે. પરંતુ ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે નદી, નાળા અને ડેમ ખાલીખમ થઈ ગયા છે. ખેડૂતો વરસાદની રાહમાં કોઈ પાક લઈ શક્યા નથી અને ખેતરો સૂકાભઠ ભાસી રહ્યાં છે.
પાણી વિના હવે ખેડૂતો રવિ પાક કેવી રીતે લેશે તે મોટો સવાલ છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતા સિપુ ડેમમાં પણ પાણી નથી, જેના કારણે ખેડૂતો માટે સિંચાઈનો પ્રશ્ન વધુ ઘેરો બન્યો છે. હાલ એવા કોઈ જળસ્રોત બચ્યા નથી જેમાંથી ખેડૂતો પાણી મેળવી શકે. કૂવાના તળ પણ ઊંડા ગયા છે.
હાલ ખેડૂતો ઉનાળુ પાક લઈ શક્યા નથી, તેને જોતાં રવિ પાક પણ પાણીના અભાવે નિષ્ફળ જશે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. બીજી તરફ પશુધનને પીવડાવવા માટે પાણી ન હોવાથી ખેડૂતો અને પશુપાલકો બંને સરકાર તરફથી મદદની આશા રાખી રહ્યા છે.
પાણીના અભાવે જિલ્લામાં દર વર્ષ કરતાં સરેરાશ વાવેતર ઘણું ઓછું થશે તેવું ખેતીવાડી અધિકારીઓ જણાવી રહ્યા છે. દાંતા, અમીરગઢ અને અંબાજી મોટાભાગે પહાડી વિસ્તાર છે, જ્યાં ચોમાસાનું પાણી રોકાઈ શકે તેવી પરિસ્થિતિ નથી. તેથી આ વિસ્તારના જૂના તળાવોને પુનર્જીવિત કરવાની માંગ પણ ઉઠી છે.