સત્ય. સાહસ. સંકલ્પ.

બનાસકાંઠામાં SMC ટીમ પર બુટલેગરોનો હુમલો, મેવાણીએ SP-IG સામે કાર્યવાહીની માંગ કરી

બનાસકાંઠામાં SMC ટીમ પર બુટલેગરોનો હુમલો, મેવાણીએ SP-IG સામે કાર્યવાહીની માંગ કરી

બનાસકાંઠાના દાંતીવાડા અને ખેરાલુ વિસ્તારમાં ગઈકાલે રાત્રે બુટલેગરોએ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનથી દારૂ ભરેલી ગાડીઓ ગુજરાતમાં લાવવાની બાતમીના આધારે SMCની ટીમે વોચ ગોઠવી હતી. જ્યારે દારૂ ભરેલી ગાડીઓ આવી પહોંચી ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બુટલેગરોના ચાલકોએ પોલીસ કર્મચારીઓ અને પંચો પર સીધી ગાડીઓ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસની ક્રેટા કારને જોરદાર ટક્કર મારી હતી. પોલીસકર્મીઓએ માંડ-માંડ જીવ બચાવ્યો હોવાનું જાણવા મળે છે.

આ મામલે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ ઘટનાને ગંભીર ગણાવીને બનાસકાંઠાના એસપી (SP) અને રેન્જ આઈજી (IG) સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે. મેવાણીએ આક્ષેપ કર્યો કે, બુટલેગરો ભયંકર બેફામ બન્યા છે. થોડાક દિવસ પૂર્વે આ જ બનાસકાંઠામાં બુટલેગરોએ બીએસએફ (BSF)ના જવાન ઉપર પણ હુમલો કર્યો હતો, છતાં એસપી કે આઈજીનો કોઈ ખુલાસો માંગવામાં આવ્યો નહીં કે તેમની સામે કોઈ ઇન્કવાયરી ઓર્ડર કરવામાં આવી નહીં.

મેવાણીએ વધુમાં આક્ષેપ કર્યો કે, બનાસકાંઠામાં બહેનો, દીકરીઓ અને માતાઓ સતત વિધવા બની રહી છે, છતાં એસપી કે આઈજી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી; તમામ કાર્યવાહી માત્ર કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને પીઆઈ સામે જ કરવામાં આવે છે. એનું જ પરિણામ છે કે ગઈકાલે રાત્રે દાંતીવાડામાં એસએમસીની ટીમ ઉપર બુટલેગરોએ હુમલો કર્યો અને ખેરાલુમાં એક ફોર્ચ્યુનર ગાડી દ્વારા બુટલેગરે સથવારા સમાજના એક વ્યક્તિ પર ગાડી ચઢાવીને તેમની હત્યા કરી નાખી. તેમણે પૂછ્યું કે, આ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ બચ્યું છે કે નહીં?

મેવાણીએ આઈપીએસ અધિકારીઓ પર પણ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતના આઈપીએસ અધિકારીઓ, તમને શરમ આવી જોઈએ! ચરસ, ગાંજા અને દારૂ-ડ્રગ્સની કમાણી કરનાર આવા સંતાનો જોઈને તમારા મા-બાપને પણ થતું હશે કે આવા સંતાનો અમારી કૂખે કેમ પેદા થયા? કાલે જ્યારે તમારા દીકરા-દીકરીઓ મોટા થશે અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમને કહેશે કે, 'તારા બાપ પેલો દારૂ અને ડ્રગ્સમાંથી કમાણી કરનાર અધિકારી છે ને?' ત્યારે તમને કેવું લાગશે? હવે તો સુધરો! છેલ્લા પાંચ વર્ષમાં કેટલાય પોલીસ કર્મચારીઓ પર બુટલેગરોએ હુમલા કર્યા છે. ગાંધી અને સરદારના આ ગુજરાતને પૈસાની હવસ માટે શા માટે બદનામ કરો છો? તમને તમારા સરકારી પગારથી સંતોષ કેમ નથી?

બાતમીના આધારે SMCની વોચ: રાજસ્થાનના મેથીપુરા ગામે આવેલા પ્રદીપ મેવાડાના દારૂના ઠેકા પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને કેટલીક ફોરવ્હીલ ગાડીઓ દાંતીવાડા થઈને ગુજરાતમાં પ્રવેશવાની છે તેવી બાતમી SMCને મળી હતી. આ ગાડીઓનું પાયલોટિંગ દાંતીવાડાના રામનગર ખાતે રહેતા ગુલાબસિંહ ઉર્ફે વાસુ વાઘેલા દ્વારા કાળા રંગની સ્કોર્પિયો કારથી કરવામાં આવી રહ્યું હતું.

આ બાતમીના આધારે SMCના પીઆઈ પી.બી. જેબલિયા સહિતની ટીમે મારવાડા અને દાંતીવાડા વિસ્તારમાં સઘન વોચ ગોઠવી હતી. આ દરમિયાન સ્કોર્પિયોની પાછળ ઇનોવા અને બ્રેઝા સહિતની દારૂ ભરેલી ગાડીઓ કાફલા સાથે આવી પહોંચતા પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બુટલેગરોના ચાલકોએ પોલીસ કર્મચારીઓ અને પંચો પર સીધી ગાડીઓ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસની ક્રેટા કારને જોરદાર ટક્કર મારી હતી. હુમલામાં ઉપયોગ લેવાયેલી કારની પોલીસે તપાસ શરૂ કરી છે.

સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં: નોંધનીય બાબત એ છે કે ગાંધીનગરની SMC ટીમ બનાસકાંઠામાં આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપવા માટે આવતી હોય, તો સ્થાનિક પોલીસ અને એલસીબી (LCB) ટીમ શું કરી રહી હતી? તેને લઈને અનેક પ્રકારના ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલ SMC દ્વારા આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.