સત્ય. સાહસ. સંકલ્પ.

બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત: રિક્ષાને ટક્કર, વૃદ્ધ દંપતી સહિત ત્રણના મોત

બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત: રિક્ષાને ટક્કર, વૃદ્ધ દંપતી સહિત ત્રણના મોત

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અજાણ્યા વાહને આગળ જઈ રહેલી રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતાં રિક્ષાચાલક સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.

મળતી માહિતી અનુસાર, એક વૃદ્ધ પતિ પોતાની પત્નીને પાલનપુરની હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે લઈ ગયા હતા. સારવાર પૂર્ણ થયા બાદ બંને વૃદ્ધ દંપતી ઘરે પરત ફરવા માટે રિક્ષામાં બેઠા હતા. રિક્ષા પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા ઘરનાળા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહનના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી ગંભીર હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર વૃદ્ધ દંપતી અને રિક્ષાચાલક ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. પત્નીની સારવાર કરાવીને ખુશીથી ઘરે પરત ફરી રહેલા વૃદ્ધ દંપતીનો માર્ગમાં જ કરુણ અંત આવ્યો હતો, જ્યારે રોજીરોટી કમાતા રિક્ષાચાલકે પણ જીવ ગુમાવતાં તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહન તથા તેના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વધુ તપાસ ચાલુ છે.