લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને કારણે પાલનપુરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
આઈટીઆઈથી વડગામને જોડતા રસ્તાની હાલત સૌથી ખરાબ જોવા મળી છે. આ રસ્તા પર અડધા ટુ-વ્હિલર ડૂબી જાય તેટલું પાણી ભરાયું છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. બિસ્માર રસ્તા અને મોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાતાં વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. તેઓએ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ પ્રશાસન સમક્ષ કરી છે.
જૂના બસ સ્ટેશનમાં પણ બે ફૂટ સુધી વરસાદી પાણી ભરાયું છે, જેના કારણે મુસાફરોને પરેશાની થઈ રહી છે. વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા મુસાફરો વરસાદી પાણીમાં અટવાયેલા જોવા મળ્યા હતા. વારંવારની રજૂઆત છતાં વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા ન થતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે.
પાલનપુર-દાંતા-વડગામ-અંબાજીને જોડતા માર્ગ પર ભારે વરસાદથી ઘૂંટણસમું પાણી ભરાયું છે, જેના કારણે અંબાજી જતા પદયાત્રીઓ અટવાઈ ગયા છે. રામપુરા-સદરપુર હાઈવે પર પણ પાણી ભરાતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.
દિયોદર પંથકમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો છે. લાંબા સમય બાદ વરસાદ વરસતાં મગફળી, બાજરી, જુવાર અને મકાઈ સહિતના કૃષિ પાકોનું વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
હડાદ પંથકમાં પણ મેઘમહેર થઈ છે. હડાદની સાથે મંડાલી, સનાલી, ઘાગડીયા, ભાણપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગાજવીજ સાથે વરસેલા વરસાદથી કીડી-મંકોડી નદીમાં નવા નીરની આવક થઈ છે.
વરસાદી માહોલ વચ્ચે દાંતામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. પહાડો પર વાદળોની ચાદર છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે.