સત્ય. સાહસ. સંકલ્પ.

બનાસકાંઠામાં ચોમાસું નિષ્ફળ: ખેડૂતોએ સરકારી આંકડા સામે ઉઠાવ્યો સવાલ, ડેમ સુકાયા

બનાસકાંઠામાં ચોમાસું નિષ્ફળ: ખેડૂતોએ સરકારી આંકડા સામે ઉઠાવ્યો સવાલ, ડેમ સુકાયા

બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત છે. જોકે ચાલુ ચોમાસામાં પૂરતો વરસાદ ન પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભેલા મગફળી, મકાઈ, એરંડા સહિતના ચોમાસુ પાકને નુકસાન થવાની ભીતિ છે.

બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસ નદી હાલ કોરાધાકોર જોવા મળી રહી છે. ચોમાસા દરમિયાન નદીમાં માત્ર એક જ વખત પાણીનો રેલો આવ્યો હોવાના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની આવક નહિવત રહી છે. સીપુ ડેમ પણ લગભગ ખાલી છે, જ્યારે મુક્તેશ્વર ડેમમાં પણ પાણીનો જથ્થો ખૂબ ઓછો છે. ભર ચોમાસે જળાશયોની આ સ્થિતિ ખેડૂતો અને પશુપાલકો માટે ચિંતાજનક બની છે.

આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઉભેલા પાકને પૂરતું પાણી મળવું મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને મગફળી સહિતના ચોમાસુ પાકના ઉત્પાદન પર સીધી અસર થવાની શક્યતા છે. પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક પાક સર્વે કરાવવાની માગ કરી રહ્યા છે.

ખેડૂત આગેવાન પાલનપુરના મલાણા ગામના વતની માવજીભાઈ લોહે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં આ વખતે વરસાદની સ્થિતિ અત્યંત નબળી છે. તેમના જણાવ્યા મુજબ પાલનપુર, વડગામ, અમીરગઢ અને દાંતા વિસ્તારમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો નથી. તેમણે સરકાર દ્વારા દર્શાવવામાં આવતા 15થી 16 ઇંચ વરસાદ અને 50 ટકા વરસાદના આંકડાઓ સામે સવાલ ઉઠાવી ગામડાઓની વાસ્તવિક સ્થિતિ અલગ હોવાનો દાવો કર્યો હતો.

માવજીભાઈએ સરકારને રિ-સર્વે કરાવવાની માગ સાથે અધિકારીઓને ગામડાઓમાં જઈ વાસ્તવિક પરિસ્થિતિની તપાસ કરવાની અપીલ કરી હતી. તેમના જણાવ્યા મુજબ વિસ્તારમાં એકેય નદીમાં પૂરતો પ્રવાહ આવ્યો નથી અને ડેમોમાં પણ પાણીનો જથ્થો ખૂબ ઓછો છે.

માવજીભાઈ લોહે બટાકા પકવતા ખેડૂતોની મુશ્કેલીનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગયા વર્ષે પૂરતા ભાવ ન મળતાં કેટલાક ખેડૂતોએ ભાવ વધવાની આશાએ બટાકા કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા હતા. જોકે હજુ સુધી મૂડી પરત મળી નથી અને વધારાના કોલ્ડ સ્ટોરેજ ભાડાનો બોજ પણ ખેડૂતો પર પડી રહ્યો છે. સેટેલાઇટના આધારે બટાકાની ખેતી કરનારા ખેડૂતોને સબસિડી આપવાની માગ છતાં સરકાર દ્વારા ધ્યાન આપવામાં ન આવ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

ડીસાના ખેડૂત મોહનભાઈએ જણાવ્યું હતું કે બનાસકાંઠામાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. તેમણે બનાસ નદીને જીવંત કરવા નહેર મારફતે દાંતીવાડા ડેમમાં પાણી નાખવાની સાથે નાના બંધો બનાવવા અને વરસાદી પાણીના સંગ્રહ માટે આયોજન કરવાની માગ કરી હતી.

મોટા પાયે પશુપાલન ધરાવતા બનાસકાંઠામાં વરસાદની અછતથી પાણી અને ઘાસચારાની સમસ્યા સર્જાઈ શકે છે. તેની અસર દૂધ ઉત્પાદન અને બનાસ ડેરી સાથે જોડાયેલા અર્થતંત્ર પર પણ થવાની શક્યતા છે. અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામના ખેડૂત મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે નહિવત વરસાદને કારણે જળસ્ત્રોતો ખાલી પડ્યા છે. ચાલુ ચોમાસાની ખેતી મુશ્કેલીમાં મુકાઈ છે અને આગામી સમયમાં પણ પાણીની મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. તેમણે ખેડૂતોને સાથે રાખીને તળાવો અને અન્ય જળસંગ્રહ સ્ત્રોતો ભરવા માટે યોગ્ય આયોજન કરવાની અપીલ કરી હતી.

ભર ચોમાસે પૂરતા વરસાદથી વંચિત રહેલા વિસ્તારોને સરકાર દ્વારા અસરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે તેવી માગ ઉઠી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર વહેલી તકે ગ્રામ્ય વિસ્તારોની વાસ્તવિક સ્થિતિનો સર્વે કરાવે અને પાકને નુકસાન થયું હોય તો તાત્કાલિક રાહત આપે. વરસાદની ખેંચ વચ્ચે બનાસકાંઠામાં ખેતી, પશુપાલન અને પાણીના સ્ત્રોતોને લઈને ચિંતા સતત વધી રહી છે.