ગુજરાતમાં ભૂગર્ભજળના સ્તર અંગેનો સરકારી અહેવાલ ચિંતાજનક છે. બનાસકાંઠાના દિયોદરમાં 168 મીટરે પાણી મળતાં, ઉત્તર ગુજરાતમાં સ્થિતિ કપરી છે. મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને કચ્છમાં સ્તર નીચે ગયા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 1 થી 6 મીટરે પાણી ઉપલબ્ધ છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો કડક પગલાં નહીં લેવાય તો રાજ્યમાં જળસંકટ ઘેરું બનશે.
ગુજરાતમાં ભૂગર્ભજળના સ્તરને લઈને એક ચિંતાજનક સરકારી અહેવાલ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, ઉત્તર ગુજરાત રીજિયનમાં ભૂગર્ભજળની સ્થિતિ ચિંતા ઉપજાવે તેવી છે. આખા રાજ્યમાં સૌથી કપરી સ્થિતિ બનાસકાંઠાના દિયોદર પંથકની છે, જ્યાં 168 મીટરે જમીનમાં પાણી મળે છે. નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે, જો સરકાર આ બાબતે કડકાઈ નહીં દાખવે, તો ગુજરાતમાં ભૂગર્ભજળ ખૂટી જાય તે દિવસો હવે દૂર નથી.
રિપોર્ટના આંકડા દર્શાવે છે કે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને કચ્છ જિલ્લામાં ભૂગર્ભજળના સ્તર ચિંતાજનક રીતે નીચે સરકી ગયા છે. તેની સામે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે નવસારી, વલસાડ, દ્વારકા, આણંદ, જામનગર, પોરબંદર, ભરૂચ, ગીર સોમનાથ અને સુરતમાં સ્થિતિ ઘણી સારી છે, જ્યાં માત્ર 1થી 6 મીટરની ઊંડાઈએ જ પાણી ઉપલબ્ધ છે.
ગુજરાતમાં વાર્ષિક સરેરાશ 27.58 બિલિયન ક્યુસેક મીટર પાણી કુદરતી કે કૃત્રિમ રીતે જમીનમાં રિચાર્જ થાય છે. તેની સામે 25.58 બિલિયન ક્યુસેક મીટર જેટલું માતબર પાણી દર વર્ષે જમીનમાંથી ખેંચી લેવામાં આવે છે. આમ, કુલ રિચાર્જ ક્ષમતાના 54.21 ટકા ભૂગર્ભજળ બેરોકટોકપણે ઉલેચાઈ રહ્યું છે, જેને કારણે ભૂગર્ભજળનું સ્તર સતત નીચે ગગડી રહ્યું છે.
રાજ્ય સરકાર ભૂગર્ભજળના સ્તર ઊંચા લાવવા અને પાણીની ગુણવત્તા સુધારવાના નામે દર વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે. 'અટલ ભૂજલ યોજના' અને 'સુજલામ સુફલામ યોજના' જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ કાર્યરત હોવા છતાં જમીની સ્તરે સકારાત્મક સુધારો જોવા મળ્યો નથી. તંત્રની ઢીલી નીતિ અને મોનિટરિંગના અભાવે આ યોજનાઓ માત્ર કાગળ પર જ સફળ દેખાઈ રહી છે. આ વર્ષે ઉત્તર ગુજરાતમાં ચોમાસું પણ નબળું રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં પાણીની સમસ્યા વધુ વકરે તેવા એંધાણ અત્યારથી વર્તાઈ રહ્યા છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, કૃષિ ક્ષેત્રે પાણીનો બગાડ અને ઉદ્યોગો દ્વારા થતું ગેરકાયદે વોટર માઇનિંગ આ સ્થિતિ માટે જવાબદાર છે. જો આગામી સમયમાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવા રેઈન વોટર હાર્વેસ્ટિંગને વધુ મહત્વ નહીં અપાય તો ગુજરાત જળ કટોકટી તરફ ધકેલાય તો નવાઈ નહીં.