સત્ય. સાહસ. સંકલ્પ.

બનાસકાંઠામાં ખેડૂતોની મહારેલી: SPની મધ્યસ્થી બાદ કલેક્ટરે આવેદનપત્ર સ્વીકાર્યું

બનાસકાંઠામાં ખેડૂતોની મહારેલી: SPની મધ્યસ્થી બાદ કલેક્ટરે આવેદનપત્ર સ્વીકાર્યું

બનાસકાંઠા જિલ્લામાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ સોમવારે ખેડૂત અધિકાર મહારેલી યોજાઈ. પાલનપુરના જોડનાપુરા નજીક મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત આગેવાનો એકઠા થયા હતા.

ખેડૂતોએ રિસરવે, ટ્રેક્ટરની ટ્રોલી પાર્કિંગ, બટાકાની સબસિડી અને ટોલ ટેક્સમાંથી મુક્તિ સહિતના મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે બનાસ નદીને નર્મદાની મુખ્ય કેનાલ સાથે જોડવાની માંગ પણ કરી હતી.

જોડનાપુરા ખાતે મહાસભા બાદ ખેડૂતોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી તરફ કૂચ કરી. કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ ખેડૂતોને એક કલાક બેસવા માટે કહેવામાં આવતાં તેઓ રોષે ભરાયા. ખેડૂતોનું કહેવું હતું કે તેઓ અગાઉથી આવેદનપત્ર આપવા માટે કલેક્ટરને જાણ કરી ચૂક્યા હતા.

આથી ખેડૂતોએ કોઝી વિસ્તાર નજીક જાહેર માર્ગ પર ચક્કાજામ કરી દીધો, જેના કારણે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ત્યારે જિલ્લા એસપીએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો. આખરે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ પોતે ખેડૂતો વચ્ચે પહોંચ્યા અને આવેદનપત્ર સ્વીકાર્યું હતું.