બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ચાંગડા ગામે આવેલી શ્રી ધરણીધર ગૌશાળામાં બેસતા વર્ષની રાત્રે 75થી વધુ ગૌવંશ અચાનક ગંભીર બીમાર પડ્યા હતા. ત્વરિત સારવાર છતાં 44 ગાયોના મોત થયા છે, જ્યારે અન્ય બીમાર પશુઓની સારવાર ચાલુ છે.
પ્રાથમિક માહિતી મુજબ ડીસાથી મંગાવવામાં આવેલો લીલો મકાઈનો ચારો ખાધા બાદ પશુઓની તબિયત બગડી હોવાનું સામે આવ્યું છે. ચારામાં ઝેરી દવા કે પેસ્ટિસાઇડ્સ ભેળવાયા હોવાની શંકા સેવાઈ રહી છે. પશુચિકિત્સકોની ટીમે મૃત ગૌવંશનું પોસ્ટમોર્ટમ કરીને ચારા અને અન્ય નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઘટનાની જાણ થતાં જ ગૌભક્તો, ગૌરક્ષકો અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને અગ્રણી માંગીલાલ પટેલ સહિતના રાજકીય નેતાઓએ ગૌશાળાની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. સાંસદ ઠાકોરે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરીને ઝેરી ચારા અંગેની આશંકાઓની ત્વરિત તપાસની માંગ કરી હતી. તેમણે ગૌશાળાના વિકાસ અને ગૌસેવા માટે રૂ. 5 લાખની આર્થિક સહાયની જાહેરાત પણ કરી હતી.
જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજને ઘટનાની જાણ કરાતાં તેમણે ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હજારો ગૌભક્તોની હાજરી વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર અને ધૂન સાથે મૃત ગૌવંશને અંતિમ વિદાય આપી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.
ગૌસાંસદ રામભાઈ રાજપૂતે રાજ્યની તમામ ગૌશાળાઓને બહારથી આવતા લીલા ચારાની યોગ્ય ચકાસણી કરીને જ ઉપયોગમાં લેવા અપીલ કરી છે. તંત્ર દ્વારા ઘાસચારાના નમૂનાની ચકાસણી અને આગળની કાયદેસર તપાસ વેગવંતી બનાવવામાં આવી છે.