સત્ય. સાહસ. સંકલ્પ.

બનાસકાંઠા કોંગ્રેસમાં વિવાદ: યાદી રદ થતાં ગુલાબસિંહે કહ્યું- 'મને પ્રમુખ પદેથી હટાવી દો'

બનાસકાંઠા કોંગ્રેસમાં વિવાદ: યાદી રદ થતાં ગુલાબસિંહે કહ્યું- 'મને પ્રમુખ પદેથી હટાવી દો'

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં સંગઠનની રચના અને નિમણૂકોને લઈને વિવાદ સર્જાયો છે. જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વચ્ચેનો મતભેદ સપાટી પર આવ્યો છે.

ગુલાબસિંહ રાજપૂતને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂક થયાને એક વર્ષ થઈ ગયું છે, પરંતુ ત્યારથી જિલ્લા સંગઠનની રચના કરવામાં આવી ન હતી. બે દિવસ પહેલા ગુલાબસિંહે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લા કોંગ્રેસ સમિતિનું માળખું જાહેર કર્યું હતું. જેમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, ખજાનચી, પ્રવક્તા, કાર્યાલય મંત્રી અને કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. આ યાદીમાં 200થી વધુ કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી હતી, જે ગુલાબસિંહે તેમના સોશિયલ મીડિયા પર મૂકી હતી.

જોકે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ યાદીને મંજૂરી વગર જાહેર કરવામાં આવી હોવાનો દાવો કરી તેની તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો હતો.

આ કાર્યવાહી બાદ ગુલાબસિંહ રાજપૂતે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, "અમારે કોંગ્રેસ સામે નહીં, ભાજપ સામે લડવું છે. મને જિલ્લા પ્રમુખ પદેથી હટાવી અન્ય કોઈની નિમણૂક કરી દો." તેમણે કોઈનું નામ લીધા વગર કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકો સંગઠનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગુલાબસિંહે વધુમાં જણાવ્યું કે, તેઓ જિલ્લા પ્રમુખ બન્યા ત્યારથી નિમણૂકો અટકેલી છે. જિલ્લાનું માળખું ન હોય તો કામ કેવી રીતે થાય? તેમણે આ અંગે અનેક વખત રજૂઆત કરી હોવાનો દાવો કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે, બે-ત્રણ લોકો મજબૂત કોંગ્રેસને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે લોકોએ પાટણ અને બનાસકાંઠા લોકસભા સીટ હરાવવામાં ભૂમિકા ભજવી હતી, તે જ લોકો હવે સંગઠનને નુકસાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, "મેં જે યાદી જાહેર કરી છે તે તમામને વિશ્વાસમાં લઈને જ કરી છે. ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ પ્રમુખ અને તાલુકા સમિતિ પાસેથી નામ લઈને અભિપ્રાય આધારે નામ નક્કી કરવામાં આવ્યા છે. 15 ટકા એવા લોકો હતા જેમણે કોંગ્રેસ માટે જીવ રેડ્યો છે, તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. એક-બે લોકો કહે છે કે અમને પૂછ્યા વગર નામ કેમ નક્કી કરવામાં આવ્યા. જેથી અમે કહ્યું હતું કે જે નામ દૂર કરવા હોય તે પ્રદેશ પ્રમુખ સાથે વાત કરીને નક્કી કરી લો, બીજા નામનું તો સંગઠન બનવા દો."

ગુલાબસિંહે આરોપ લગાવ્યો કે, જે લોકોએ રાહુલ ગાંધી સામે કેસ કર્યા હતા તે લોકો સાથે સાંઠગાંઠ કરીને કેટલાક નેતાઓ કોંગ્રેસનું સંગઠન બનવા દેતા નથી. તેમણે કહ્યું કે, ગેનીબેન ઠાકોર ચૂંટણી હારે તે માટે આ લોકોએ ભાજપ સાથે પૈસા લીધા, તેમ છતાં ગેનીબેન જીતી ગયા અને પાટણ હરાવવામાં તે લોકો સફળ રહ્યા. જો આ રીતે પક્ષ ચાલવાનો હોય તો સત્તા કેવી રીતે મળશે અને લોકોની સેવા કેવી રીતે કરીશું?

તેમણે ઉમેર્યું કે, ગઈકાલે રાત્રે ગેનીબેન સાથે પણ ચર્ચા થઈ છે અને તે પણ જાણે છે કે તેમને હરાવવા માટે તે લોકો પ્રયાસ કરતા હતા અને આજે પણ ગેનીબેનને નુકસાન થાય તે માટેના પ્રયાસ કરી રહ્યા છે.

ગુલાબસિંહે જણાવ્યું કે, તેમણે પ્રભારી અને રાષ્ટ્રીય પ્રમુખને પણ રજૂઆત કરી છે, પ્રદેશ પ્રમુખને પણ રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. હજુ પણ ભેગા થઈને રજૂઆત કરીશું અને જે લોકો પાર્ટીને નુકસાન કરે છે તેમને હટાવવા રજૂઆત કરીશું.