બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ વકર્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત વચ્ચેના ઘર્ષણને કારણે યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિત પારગીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. બીજી તરફ, થરાદ જિલ્લા પંચાયતના સદસ્ય સિદ્ધરાજસિંહ રાજપૂતે આ મામલે પ્રદેશ નેતૃત્વ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
યુથ કોંગ્રેસ પ્રમુખે રાજીનામાના પત્રમાં જણાવ્યું છે કે, પક્ષના વરિષ્ઠ નેતાઓના સન્માન અને કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખીને આ જવાબદારી ચાલુ રાખવી યોગ્ય નથી. તેમણે ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતના અપમાનનો પણ ઉલ્લેખ કર્યો છે.
સિદ્ધરાજસિંહ રાજપૂતે જણાવ્યું કે ગુલાબસિંહ રાજપૂતે ત્રણ મહિના અગાઉ જ પ્રદેશ સમિતિને યાદી સોંપી હતી, છતાં તે જાહેર ન થતાં તેમને પોતાની વાત જાહેર કરવી પડી. તેમણે કહ્યું કે ગુલાબસિંહ અને ગેનીબેન જેવા નેતાઓ પ્રજાના મતોથી નેતા બન્યા છે, કોઈની મહેરબાનીથી નહીં. તેમણે આરોપ લગાવ્યો કે જે કામ ભાજપ ન કરી શક્યું, તે કોંગ્રેસના જ કેટલાક લોકો ગેનીબેન અને ગુલાબસિંહ સાથે કરવા માગે છે.
પ્રદેશના કાર્યક્રમમાં ગુજરાતના એકમાત્ર કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરને ફોન કરીને પણ જાણ કરવામાં ન આવી હોવાના મુદ્દે સિદ્ધરાજસિંહે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ગઈકાલે પણ કોંગ્રેસમાં હતા અને આજે પણ કોંગ્રેસમાં જ છે, તથા જરૂર પડશે ત્યારે ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોરની સાથે મક્કમતાથી ઊભા રહેશે.
આ વિવાદનું મૂળ એ છે કે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પ્રદેશ સંગઠનની સત્તાવાર મંજૂરી વગર જિલ્લા ટીમની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી દીધી હતી. આ જાહેરાતથી અનેક વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરોમાં નારાજગી ફેલાઈ હતી. મામલો પ્રદેશ નેતૃત્વ સુધી પહોંચતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તાબડતોબ નિર્ણય લઈને જિલ્લા માળખાને રદ જાહેર કર્યું, જેના કારણે વિવાદ વધુ વકર્યો છે.
રાજકીય વિશ્લેષકોના મતે, યુથ કોંગ્રેસ પ્રમુખના રાજીનામા અને જિલ્લા પંચાયત સદસ્યના નિવેદનથી બનાસકાંઠા કોંગ્રેસનો આંતરિક વિવાદ જગજાહેર થઈ ગયો છે. ગુજરાતમાં કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે, તેવામાં જિલ્લાના નેતાઓની આ નારાજગી આગામી સમયમાં પક્ષને વધુ નબળો પાડશે તેવું માનવામાં આવે છે.