સત્ય. સાહસ. સંકલ્પ.

બનાસકાંઠા કોંગ્રેસમાં વિખવાદ: 113 હોદ્દેદારોની યાદી રદ, યુથ પ્રમુખે આપ્યું રાજીનામું

બનાસકાંઠા કોંગ્રેસમાં વિખવાદ: 113 હોદ્દેદારોની યાદી રદ, યુથ પ્રમુખે આપ્યું રાજીનામું

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં તેમણે કોઈનું નામ લીધા વગર લખ્યું છે કે લડાઈ પાર્ટીનાં નેતાઓ સામે નહીં, પણ લોકોના પ્રશ્નો અને જનહિતના મુદ્દે ભાજપ સરકાર સામે હોવી જોઈએ. તેમણે સાંસદ ગેનીબેન ઠાકોર સાથેનો ફોટો પણ પોસ્ટ કર્યો છે અને ભગવાન દ્વારકાધીશ સૌને શક્તિ અને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી છે. આ પોસ્ટ બાદ પાર્ટીમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

ઘટનાક્રમ જોઈએ તો, 11 સપ્ટેમ્બરે ગુલાબસિંહ રાજપૂતે પ્રદેશ અધ્યક્ષની મંજૂરી વગર બનાસકાંઠા જિલ્લાના હોદ્દેદારોની નિમણૂક કરી હતી. તેમણે 8 ઉપપ્રમુખ, 14 મહામંત્રી, 42 કારોબારી સભ્ય, 31 મંત્રી અને 18 વિશેષ આમંત્રિત સભ્યો સહિત કુલ 113 લોકોની યાદી સીધી જાહેર કરી હતી. સામાન્ય રીતે જિલ્લા સંગઠનની નિમણૂકો પ્રદેશ અધ્યક્ષની સહી અને મંજૂરી બાદ જ થાય છે. આથી શનિવારે મળેલી બેઠકમાં તેમને કડક ઠપકો અપાયો હતો. તેમ છતાં, ગઈકાલે તેમણે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની મંજૂરી કે પ્રદેશ કચેરીની સિક્કા-તારીખ વગર 113 હોદ્દેદારોની કારોબારી સમિતિ સોશિયલ મીડિયા પર જાહેર કરી દીધી.

વ્હાલા-દવલાની નીતિ અપનાવીને નિષ્ઠાવાન અને વરિષ્ઠ કાર્યકરોની અવગણના કરાઈ હોવાના આક્ષેપો સાથે વ્યાપક ફરિયાદો પ્રદેશ સુધી પહોંચી. જે બાદ પ્રદેશ સમિતિએ આ યાદી તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે.

બીજી તરફ, બનાસકાંઠા યુથ કોંગ્રેસના પ્રમુખ રોહિતભાઈ અમીરામભાઈ પારેગીએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. તેમણે પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રવીણસિંહ વણોલને સંબોધીને મોકલેલા રાજીનામામાં પ્રદેશ નેતાગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. રાજીનામા પાછળનું મુખ્ય કારણ સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું સતત અપમાન તથા પ્રદેશ કક્ષાએથી થતી અન્યાયી અવગણના હોવાનું જણાવાયું છે. પક્ષના ટોચના સ્થાનિક નેતાઓની સતત ઉપેક્ષાથી નારાજ થઈને યુથ કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપતાં જિલ્લા કોંગ્રેસમાં આંતરિક કલહ વધુ ઉગ્ર બન્યો છે.