બનાસકાંઠા જિલ્લામાં IRM CNGના ભાવમાં પ્રતિ કિલોએ અંદાજે ₹6નો વધારો થયો છે. જેના કારણે CNGનો ભાવ ₹94 પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. આ અચાનક થયેલા ભાવ વધારાની સીધી અસર સામાન્ય વાહનચાલકો, ખાસ કરીને પેસેન્જર વાહનચાલકો અને રિક્ષાચાલકો પર પડી છે.
રોજ કમાઈને પરિવારનું ગુજરાન ચલાવતા રિક્ષાચાલકો માટે આ ભાવવધારો વધુ એક મુશ્કેલી લઈને આવ્યો છે. એક તરફ CNGના ભાવ સતત વધી રહ્યા છે, તો બીજી તરફ રિક્ષા અને પેસેન્જર વાહનોના ભાડામાં મનફાવે તેમ વધારો કરવો શક્ય નથી. જેના કારણે રિક્ષાચાલકોની આવક અને ખર્ચ વચ્ચેનું ગણિત ખોરવાયું છે.
પેટ્રોલ અને ડીઝલ બાદ હવે CNGના ભાવમાં થયેલા વધારાએ વાહનચાલકોની ચિંતા વધારી છે. ખાસ કરીને રોજિંદા મુસાફરોને સેવા આપતા રિક્ષાચાલકો માટે ભાવવધારો મોટો આર્થિક બોજ બની રહ્યો છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે તેઓ CNG પર નિર્ભર છે. દરરોજ CNG ભરાવવા પાછળ થતો ખર્ચ વધી રહ્યો છે, પરંતુ મુસાફરો પાસેથી ભાડું વધારવું સરળ નથી.
રિક્ષાચાલકોની માંગ છે કે CNGના ભાવમાં થયેલા વધારા અંગે સરકાર અને સંબંધિત કંપનીઓએ ગંભીરતાથી વિચારવું જોઈએ અને યોગ્ય રાહત આપવી જોઈએ. હાલમાં આ ભાવવધારાને લઈને વાહનચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.