સત્ય. સાહસ. સંકલ્પ.

બનાસકાંઠાના ભાયલા ગામમાં સરપંચ બેઠક પર વિવાદ, આદિવાસીઓનો ચૂંટણી બહિષ્કારની ચેતવણી

બનાસકાંઠાના ભાયલા ગામમાં સરપંચ બેઠક પર વિવાદ, આદિવાસીઓનો ચૂંટણી બહિષ્કારની ચેતવણી

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની ભાયલા ગ્રામ પંચાયતમાં સરપંચની બેઠકને લઈને વિવાદ સર્જાયો છે. પંચાયતે સરપંચ માટે અન્ય પછાત વર્ગ (OBC)ની બેઠક ફાળવતાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે આ બેઠક અનુસૂચિત જનજાતિ (ST) માટે ફાળવવામાં આવે.

ગ્રામજનોનું કહેવું છે કે ભાયલા ગામમાં 97 ટકા વસ્તી આદિવાસી સમાજની છે. આટલી મોટી વસ્તીને ધ્યાનમાં રાખીને તેમને લાગે છે કે સરપંચની બેઠક ST માટે જ હોવી જોઈએ. તેમણે ચેતવણી આપી છે કે જો OBC બેઠક બદલીને ST બેઠક નહીં કરવામાં આવે તો તેઓ આગામી ગ્રામ પંચાયત ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે.

આદિવાસી સમાજના લોકોનો આક્રોશ છે કે વર્ષોથી ગામમાં રહેવા છતાં તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. તેમનું માનવું છે કે જો OBC ઉમેદવાર સરપંચ તરીકે ચૂંટાશે તો સ્થાનિક આદિવાસી સમુદાયને ભવિષ્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કલેક્ટરે માત્ર 2 ટકા વસ્તી ધરાવતા વર્ગ માટે બેઠક ફાળવી છે, જે આદિવાસી સમુદાય માટે અન્યાયી છે.