બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં થયેલા બે અલગ અલગ ગંભીર માર્ગ અકસ્માતમાં કુલ છ લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં મોરિયા-મુમનવાસ રોડ નજીક કાર અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. મુમનવાસ તરફથી મોરિયા જઈ રહેલી રિક્ષાને આ અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વડગામ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
બીજી ઘટના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ધોલવાણી પાસે બની હતી, જ્યાં બે બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અકસ્માત અંગે પણ તપાસ હાથ ધરી છે.
બંને ઘટનાઓમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતના કારણો અંગે હજુ સુધી સત્તાવાર માહિતી મળી નથી.